

પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની પરિણીતાએ દીકરીના જન્મ બાદ પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીએ પતિ સહિત ચાર સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
ફરિયાદ મુજબ, સિદ્ધપુરના રાજપુરમાં રહેતી રિર્ધિ દરજીના લગ્ન દોઢ વર્ષ પહેલાં ચાણસ્માના હાર્દિક દિનેશભાઈ પટેલ સાથે થયા હતા. લગ્નના નવ મહિના બાદ રિદ્ધિએ દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ દીકરીનો જન્મ પરિવારને ન ગમતાં સાસરિયામાં તેનો ત્રાસ શરૂ થયો હતો.
રિદ્ધિએ જણાવ્યું કે પતિ હાર્દિક ગાળો બોલતો, મારપીટ કરતો અને સાસુ-સસરા તથા નણંદ તરફથી પણ માનસિક ત્રાસ આપવામાં આવતો. અંતે પતિએ તેને પિયર સિદ્ધપુર મૂકી દીધી હતી. પિયરમાં આવ્યા બાદ પણ પતિ દ્વારા વોટ્સએપ પર ગાળો અને ધમકીઓ મોકલવાની ઘટના બની હતી. આખરે, રિદ્ધિએ પતિ હાર્દિક પટેલ, સાસુ મીનાબેન, સસરા દિનેશભાઈ અને નણંદ ભૂમિબેન વિરુદ્ધ ત્રાસ આપવો અને ઘરેથી કાઢી મૂકવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ