



પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ લાવવા માટે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલય, પોરબંદર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓને મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, સુરક્ષા અને સ્વાવલંબન વિશે વિગતવાર સમજ આપવાનો હતો. કસ્તુરબા કન્યા છાત્રાલયની 84 વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં લાભાર્થી તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કિશોરી મેળામાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ની ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડો. સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર), ચિરાગ દવે (જેન્ડર સ્પેશિયાલિસ્ટ), અને સૌરભભાઇ મારુ (લિટ્રસી ઇન ફાઇનાન્સ) દ્વારા કિશોરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ સેશનમાં સેફ ટચ અને અનસેફ ટચ, સાયબર સિક્યુરિટી અને મહિલા સ્વાવલંબન યોજના જેવી મહત્ત્વની બાબતો પર કિશોરીઓના આત્મસુરક્ષા અને જ્ઞાનવર્ધનમાં ઉપયોગી બની રહે તેવી વિશેષ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ લાભાર્થી વિદ્યાર્થીનીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી , હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને “સંકલ્પ” DHEWની ટીમે તેનું સફળ સંચાલન કર્યું હતું. આ આયોજન દ્વારા કસ્તુરબા કન્યા છાત્રાલયની કિશોરીઓમાં જાગૃતિ અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya