
અમદાવાદ, 5 ડિસેમ્બર (હિ.સ.)-અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક અને જૂના કોટ વિસ્તારમાં પ્રવેશ માટેનું મહત્વનું દ્વાર ગણાતો સૂબાષ બ્રિજ સ્પાનમાં ખામી અને તિરાડ જોવા મળતાં તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાબરમતી નદી પર આવેલા આ બ્રિજના એક ભાગમાં ધસારો થવાની શંકા ઊભી થતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય કર્યો છે.
5 ડિસેમ્બરે એએમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટ મારફતે નીચેથી બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે જ નિષ્ણાત કન્સલ્ટન્ટની ટીમે ડ્રોન સર્વે કર્યો હતો. ઇન્સ્પેક્શન દરમિયાન જ સ્પાનમાં ગંભીર ખામી અને તિરાડ જણાતા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. બ્રિજ ઓછામાં ઓછા પાંચ દિવસ માટે બંધ રહેશે, જેના કારણે દરરોજ આ માર્ગ પરથી પસાર થતા અંદાજે 1 લાખ વાહનચાલકોને વૈકલ્પિક રસ્તો અપનાવવો પડી રહ્યો છે. ડાયવર્ઝનને કારણે રાણીપ ડી-માર્ટ, પરિક્ષિતલાલ બ્રિજ અને વાડજ સર્કલ વિસ્તારમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે “સૂબાષ બ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન જ સ્પાનમાં તિરાડ અને ખામી મળી હતી, જેના પગલે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ કેટલા દિવસ સુધી બંધ રહેશે તે નિર્ણય તપાસ રિપોર્ટ મળ્યા બાદ જ લેવામાં આવશે.”
આ દરમિયાન, કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા રોકવામાં છતાં તેઓ બ્રિજ પર ચડી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે “મોરબી અને ગંભીરા બ્રિજ અકસ્માત બાદ પણ સત્તાધીશો જાગ્યા નથી. લોકોની સલામતી સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.”
હાલ માટે સૂબાષ બ્રિજ પર અવરજવર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી છે અને સુરક્ષા સંબંધિત વિગતવાર રિપોર્ટ મળ્યા બાદ જ બ્રિજ ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.૫
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે