
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના બાલીસણા વિસ્તારમાં એક મહિલાને ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી બે આરોપીઓએ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ગુપ્ત વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયોની આડમાં 31 ઓગસ્ટ 2024 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ રુ.27.25 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ પરેશ બેચરભાઈ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણ નામના આરોપીઓએ શરૂઆતમાં દવાના બહાને પૈસા પડાવ્યા બાદ વીડિયોને જાહેર કરવાની ધમકી આપી વધુ રકમ લીધી. ઉપરાંત બે કરોડની બેંક લોનની ખોટી ખાતરી, પતિને નુકસાન પહોંચાડવાની ધમકી, દીકરીને કેનેડાથી પાછી લાવવા જેવી ધમકીઓ આપી મહિલાને ડરાવાઈ હતી.
આરોપીઓએ ચેકના કેસમાં સજા કરાવવાની ભયભીત કરતી વાતો કરી અને અવારનવાર દબાણથી શારીરિક શોષણ કર્યું. મહિલાની ફરિયાદના આધારે બાલીસણા પોલીસ મથકે બંને સામે કલમ 64(2)(m), 79, 316(2), 318(4), 308(2), 3(5) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ