




- કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી
કચ્છ/ગાંધીનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર થયું છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના” થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન કર્યુ હતું.
તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કર્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતા કહ્યુ હતું કે, એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે.
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડથી નવાજ્યુ છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનનો વિરાસત ભી, વિકાસ ભી અભિગમ સાકાર થયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળવા સાથે રણ ઉત્સવને અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કારીગરી ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપતાં ટૂરીઝમ સ્થળોના વિકાસ માટે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે. પ્રવાસનના વિકાસ માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ કરીને રણોત્સવને મળી રહ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજી વધારેને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની રાજ્ય સરકારની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી વડાપ્રધાનના વિઝનથી મળી છે તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગત રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના આત્મનિર્ભર ભારતના નિર્માણના માટે નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ આ સંકલ્પને સાકાર કરવા પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ધોરડો ખાતે મુખ્યમંત્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો. તેમણે ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત, એક ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીએલપીસીના એમડી સુધીર પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોષી, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધોરડો ગ્રામ પંચાયત સરપંચ મિયાં હુશેન સહિતના પદાધિકારિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ