
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં ચોમાસાના ભારે વરસાદથી સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવું જ નુકસાન નોંધાતા સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. પાટણ જિલ્લાના ચાર તાલુકામાં 1.37 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા નુકસાનનો સર્વે લેવામાં આવી સરકારને રિપોર્ટ સુપરત થયો હતો. આના આધારે અરજીઓ મંગાવવામાં આવી જેમાં કુલ 95,015 અરજીઓ પ્રાપ્ત થઈ. SDRFના નિયમો મુજબ ખેડૂતોને હેક્ટરદીઠ રુ.22,000 મુજબ વળતર નક્કી કરવામાં આવ્યું છે.
હાલ સુધી 22,700 અરજીઓના બિલો જનરેટ કરી રુ. 84.71 કરોડની સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ચૂકી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે બિલ તૈયાર થતાની સાથે જ બાકી રહેલા ખેડૂતોને પણ સહાય ચૂકવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ