

પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘પ્રેરણા પ્રવાસ’ અને ‘તાલીમ ઘટક’ની કામગીરી હાથ ધરાઈ હતી.
કુતિયાણા તાલુકાના ચૌટા ગામ તથા રાણા કંડોરણા ખાતે આવેલા વેલનાથ મોડલ ફાર્મમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી. પ્રેરણા પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં ખેડુત ભાઈ-બહેનો જોડાયા હતા. ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત સહિતના પ્રાકૃતિક ઇનપુટ્સના ડેમો, ફાર્મ વિઝિટ તેમજ પ્રાકૃતિક ખેતીના આયામોની માહિતી આપવામાં આવી હતી. તાલુકા સંયોજક દેવા ભાઈ ખૂટી, એગ્રી આસિસ્ટન્ટ પારસ મારૂ અને આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદર તાલુકાના અડવાણા ગામમાં યોજાયેલી તાલીમ કામગીરી દરમ્યાન તાલુકા પ્રોજેક્ટ મેનેજર ચિંતન ભાલોડીયા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામ – જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અચ્છાદન તથા મિશ્ર પાક પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત રવિ પાકમાં તેમજ પિયત-બિન પિયત ચણા પાકમાં આ પદ્ધતિ કેવી રીતે સફળતાપૂર્વક કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya