વર્લ્ડ સોઈલ ડે નિમિત્તે ભૂમિ સુપોષણ વિષય પર ઓનલાઈન માધ્યમથી આયોજિત રાષ્ટ્રીય સમ્મેલનમાં રાજ્યપાલનું પ્રેરક ઉદ્દબોધન
ગાંધીનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : વિશ્વ જમીન દિવસ નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, હાલોલ દ્વારા ભૂમિ સુપોષણ વિષય પર આયોજીત એક દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર લોકભવન ખાતેથી ઓનલાઈન માધ્યમથી પ્રેરક સંબોધ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાષ્ટ્રીય સમ્મેલનમાં રાજ્યપાલનું પ્રેરક ઉદ્દબોધન


ગાંધીનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : વિશ્વ જમીન દિવસ નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, હાલોલ દ્વારા ભૂમિ સુપોષણ વિષય પર આયોજીત એક દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર લોકભવન ખાતેથી ઓનલાઈન માધ્યમથી પ્રેરક સંબોધન કર્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું કે, જમીન એ માત્ર ઉત્પાદનનું માધ્યમ જ નહી પરંતુ સમગ્ર જીવનચક્રનો આધાર છે. વિશ્વભરમાં ઝડપથી ઘટતી જમીનની પોષકક્ષમતા માનવજાત માટે ગંભીર પડકાર રૂપ બની રહી છે ત્યારે ભૂમિ સુપોષણ – જમીનને જૈવિક રીતે પોષિત કરવાની દિશામાં રાષ્ટ્રીય અભિયાન એ ભારતની ભવિષ્યની અન્ન સુરક્ષા માટે અંત્યત જરૂરી છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તેનાથી જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતાને અને સુક્ષ્મજીવોના સ્વાભાવિક સમતોલનને માઠી અસર પહોંચી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી, જૈવિક સંસાધનોનો વિકાસ, ઘન જીવામૃત, જીવામૃત જેવા પ્રાકૃતિક આયામોથી જમીનને ફરી સુપોષિત કરી શકાય છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં થયેલા સંશોધનોમાં પ્રાકૃતિક ખેતીના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જમીનની ફળદ્રુપતા વધવા સાથે સાથે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનની ગુણવત્તામાં પણ સુધારો નોંધાયો છે.

રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું કે, જમીન સુપોષિત હશે તો જ અન્ન સુપોષિત થશે અને અન્ન સુપોષિત થશે તો જ માનવ સુપોષિત બનશે. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓ અને નીતિ નિર્માતાઓને પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડીને જમીન સંરક્ષણ માટે મજબૂત કાર્ય યોજનાઓ તૈયાર કરવા સૂચન કર્યુ હતું. સાથે જ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી કે, આજની યુવા પેઢી જમીન સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ બની રહી છે, જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્ય માટે ઉત્સાહજનક છે.

ભૂમિ સુપોષણને દેશના ભવિષ્યનો શ્વાસ ગણાવતા રાજ્યપાલએ ઉમેર્યું કે, ભૂમિ સુપોષણ અભિયાન માત્ર જમીનને જીવંત નથી કરતું, પરંતુ કૃષિને આર્થિક રીતે મજબૂત, સમાજને સ્વસ્થ અને પર્યાવરણને સુરક્ષિત બનાવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જમીનના આરોગ્યનો પ્રશ્ન માત્ર ખેતીનો નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રીય આરોગ્ય અને વિકાસનો પ્રશ્ન છે. રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશભરના ખેડૂતો આ અભિયાનને રાષ્ટ્રહિતના મિશન તરીકે સ્વીકારશે અને વિકસિત ભારતના સ્વપ્નને વધુ મજબૂત આધાર આપશે.

અંતમાં રાજ્યપાલએ તમામ આયોજનકર્તાઓ અને ભાગ લેનારાઓને અભિનંદન પાઠવીને જણાવ્યું કે, આ રાષ્ટ્રીય સમ્મેલન ભૂમિ સુપોષણ માટે ચાલી રહેલા વિવિધ પ્રયાસોને નવી દિશા અને ગતિ આપશે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી. કે. ટિમ્બડીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના વૈજ્ઞાનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande