


ગાંધીનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા.
રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિમહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે.
તેમણે સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત - સમૃદ્ધ ભારત બનાવવાની સેવા તક નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી છે તેને સાર્થક કરવા વિકસિત ભારત @2047 માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું આહવાન કર્યુ હતું.
વડાપ્રધાન મોદી એ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય આપ્યું છે તેને પાર પાડવા રાજ્ય સરકાર માતાઓના પોષણ અને સ્વાસ્થ્ય તેમજ ભુલકાઓના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, બાળ માનસનું સંસ્કાર સિંચન કરીને તેને ભવિષ્યનો નાગરિક બનાવવાનું દાયિત્વ નિભાવતી આંગણવાડી કાર્યકર – તેડાગર બહેનો માતા યશોદાની જેમ બાળકોનું લાલન પાલન અને ઘડતર કરે છે.
વડાપ્રધાનએ આવી બહેનોને માતા યોશોદાનું ગૌરવ સન્માન આપ્યું છે અને આંગણવાડી કેન્દ્રને નંદઘરની ઓળખ આપી છે તેનો પણ મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો.
એક સમયે જૂના-પુરાણા મકાનો, પંચાયત ઘરો અને મંદિરોમાં ચાલતા બાળમંદિરોની સ્થિતિ બદલવા માટેનું વિઝન આપીને મોદી એ ગુજરાતમાં સંપૂર્ણ સુવિધાયુક્ત આંગણવાડી-નંદઘરોના નિર્માણ કરાવ્યા છે તેના પરિણામે આજે રાજ્યમાં 53000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુ 170 જેટલા નવા આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સમારોહમાં કરતાં આવનારા વર્ષોમાં નવા 10 હજારથી વધુ નંદઘરો બનાવવાના રાજ્ય સરકારના આયોજનની વિગતો આપી હતી.
વડાપ્રધાનની પ્રેરણાથી મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરીને રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોના બાળકો માટે દૂધ સંજીવની યોજના હેઠળ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ દૂધ ઉપરાંત સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટેની પોષણ સુધા યોજના, ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે આ ઉપરાંત આંગણવાડીથી લઈને પ્રાથમિક શાળાના ૪૧ લાખથી વધુ બાળકો માટે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' પણ શરૂ કરવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલે રાજ્યની આંગણવાડીઓમાં નિમણૂક મેળવનાર તમામ બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તમે આજથી સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાયા છો. તમે સૌ ભવિષ્યના નાગરિક એવા બાળકોના પ્રથમ શિક્ષિક બનવાના છો. તમે જે સંસ્કાર, શિક્ષણ અને પોષણનું બીજ રોપશો તેમાંથી આવતીકાલનું ગુજરાત ખીલશે.
રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકો માટે ઊર્જાના કેન્દ્રો બન્યા છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવશાળી છે. નવી નિમણૂક મેળવી રહેલી બહેનો તેમના ઘરઆંગણે રોજગારી મેળવીને આત્મનિર્ભર બની છે. આ બહેનો રાજ્યમાં સ્ત્રી સશક્તીકરણની નવી ગાથા લખશે. બહેનોને અપાયેલા નિમણૂક પત્રો એ માત્ર નિમણૂક પત્ર નથી પરંતુ બાળકોને સુપોષિત અને શિક્ષિત કરવાના દસ્તાવેજ છે તેમ તેમણે જણાવ્યું હતું.
આંગણવાડી કેન્દ્ર સમાજ નિર્માણનું સૌથી પાયાનું એકમ છે. આંગણવાડી કાર્યકરો બાળકને માતાના ખોળા જેવી સુરક્ષા, પોષણ અને પ્રારંભિક શિક્ષણ આપે છે. આંગણવાડી વ્યવસ્થા સરકારની પ્રત્યેક યોજના અને પ્રત્યેક સંદેશને સાચા અર્થમાં છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડે છે. રાજ્ય સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓનો બાળકોને સુધી સુયોગ્ય રીતે પહોંચાડવાની જવાબદારી આપ સૌ કાર્યકરોની છે. સશક્ત માતા અને સ્વસ્થ બાળક થકી સુપોષિત ગુજરાત બનાવવાના સંકલ્પમાં આપ સૌ શિલ્પકારની ભૂમિકા સુપેરે નિભાવશો તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સાથે રાજકોટ, સુરત અને વડોદરા ઝોનના નવા નિમણૂક પામનારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએથી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલે આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે પોષણની સેવાઓ, પા પા પગલી - પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ડિજિટલ પહેલ, અને પોષણ સંગમ સહિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વિગતો મેળવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પ્રાસંગિક ઉદબોધન કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી. સાથે જ તેમણે, ગુજરાતની સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય, પોષણ, સુખાકારી અને શિક્ષણ માટે દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત આંગણવાડી બહેનોને અભિનંદન પાઠવીને દેશના ભાવી માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. જ્યારે, કાર્યક્રમના અંતે ICDS કમિશનર રણજીતકુમાર સિંઘે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ