
જામનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત 6 કિ.મી.ની મેરેથોન અને 10 તથા 25 કિ.મી.ની સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 13/12/2025 ના 6 કિ.મી.ની મેરેથોન યોજવામાં આવનાર છે. સવારે 6-30 કલાકે આ મેરેથોનને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે. જે ઓશવાળ ઈંગ્લીશ એકેડમી સ્કૂલ કેમ્પસથી શરૃ થશે અને ત્યાંથી ફ્લાય ઓવર બ્રિજ, ગુરુદ્વારા જંક્શન, નાગનાથ જંક્શન થઈ એ જ રૃટ ઉપર પરત ફરશે. આ સ્પર્ધામાં વિનામૂલ્યે ભાગ લેવા અને રજિસ્ટ્રેશન માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. પ્રથમ 500 ઓન લાઈન નોંધણી કરાવનારને ટી-શર્ટ આપવામાં આવશે. મેરેથોન પૂર્ણ કરનાર સ્પર્ધકમાંથી લક્કી ડ્રો દ્વારા 10 સ્પર્ધકને નવી સાયકલ આપવામાં આવશે.
જ્યારે 10 અને 25 કિ.મી.ની સાયક્લોથોનનું તા. 14/12/2025 ના સવારે 6-30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ પોલીસ હેડક્વાટર્સથી થશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ક્યુઆર કોડ સ્કેન કરવાનું રહેશે. પ્રથમ 500 ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારને ટી-શર્ટ આપવામાં આવશે. સાયક્લોથોનની બન્ને કેટેગરી પૂર્ણ કરનાર સ્પર્ધકોમાંથી ડ્રો મારફત 20 સપર્ધકને સાયકલ આપવામાં આવશે.
આ સાયકલોથોનનો પ્રારંભ પોલીસ હેડ ક્વાટર્સથી થયા પછી શરૃસેક્શન રોડ, ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, હાલાર સોલ્ટ વર્કસથી પોલીસ હેડ ક્વાટર્સ સુધી 10 કિ.મી.ની અને પોલીસ હેડ ક્વાટર્સથી શરૃસેક્શન રોડ, ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, રોઝી પોર્ટ ગેઈટ, શરૃસેક્શન રોડથી પોલીસ હેડ ક્વાટર્સ સુધી રપ કિ.મી.ની રહેશે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt