
જામનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ખોજાનાકા બહાર રહેતી વૃદ્ધાને રોકાણના બહાને એકના ડબલની લાલચ દઇને રૂ.15 લાખ પડાવી લઇ છેતરપીંડી કર્યાની ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી અવનવી સ્કીમોમાં રોકાણ કરવાથી વધુ નફો કે વળતર મળશે તેવી લાલચમાં ફસાવીને લોકો સાથે ચિટીંગ કરવામાં આવી રહયુ છે અને આ પ્રકારના બનાવો એક પછી એક સામે આવી રહયા છે, દરમ્યાન જામનગર શહેરમાં છેતરપીંડીનો વધુ એક બનાવ પોલીસ મથકે પહોચ્યો છે.
જામનગરના ખોજાનાકા બહાર વાંઢાનો ડેલો ખાતે રહેતા બાનુબેન મોહમદભાઇ શેખ (ઉ.વ.65) નામની વૃદ્ધાએ સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે જામનગરના સિલ્વર સોસાયટી, ટીટોડી વાડી, મન્નત મકાનમાં રહેતા ઇરફાન કાસમભાઇ શેખ નામના શખ્સ વિરુઘ્ધ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ અંગેની વિગત અનુસાર આરોપી ઇરફાને ગુજરાત લેન્ડ ડેવલોપર્સ ગૃપ નામની ખોટી કંપનીના ડાયરેકટર તરીકે બતાવીને ફરીયાદી મહિલાને આ કંપનીમાં રૂપીયા રોકો તે રૂપીયા પાંચ વર્ષે ડબલ થઇ જશે એવી વાત કરી પ્રલોભન આપ્યુ હતું જેથી ફરીયાદી મહિલાએ કટકે કટકે રૂ. 15.15 લાખનું રોકાણ કરેલ અને સને 2022ની સાલમાં મુદત પુરી થતી હોય તેમ છતા તેણીને રૂ. પરત આપ્યા ન હતા.
દરમ્યાન માંગણી કરતા તેણીને જાનથી મારી નાખવાની ધમકી દઇ છેતરપીંડી આચરી હતી આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો, ફરીયાદના આધારે સીટી-એ પોલીસ દ્વારા આરોપી ઇરફાન શેખ સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૮(૨), ૩૫૨(૩) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt