
જામનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા માર્ગદર્શિત જામનગર જિલ્લાકક્ષાનો પ્રતિષ્ઠિત 'કલા ઉત્સવ' તા. ૦૪/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લા તાલીમ ભવન દરેડ ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ઉ. મા. વિભાગમાં ધો.૧૧ ની વિદ્યાર્થીની કણજારીયા કિંજલે બાળકવિતા સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને તે આગામી સમયમાં યોજાનાર સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના કલા ઉત્સવમાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત, ઉ. મા. વિભાગમાં ચિત્રકલાની સ્પર્ધામાં વિદ્યાર્થીની પરમાર માહીએ જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને પોતાની કલા પ્રતિભાનો પરિચય આપ્યો છે.
વિજેતા સ્પર્ધકોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કલા ઉત્સવને સફળ બનાવવા બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ જાની, સંયોજક ડૉ.વંદનાબેન જાની, અને ડૉ. દીપેનભાઈ આસોદરિયાનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.
વિદ્યાર્થીનીઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્યા ડૉ. બી. એન. દવે તેમજ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી સાથે તેમને હાર્દિક અભિનંદન સાથે કિંજલને ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt