


અંબાજી 05 ડિસેમ્બર(હિ.સ)બનાસનું સહકારિતા મોડલ આજે સમગ્ર દેશ
અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે. ૬ ડિસેમ્બરના રોજ દેશના ગૃહ અને સહકાર
મંત્રી અમિતભાઈ શાહ વાવ - થરાદ જિલ્લાના સણાદર ખાતેથી શરૂ કરીને વાવ - થરાદ અને
બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું
ડેલીગેશન આજરોજ અંબાજી ખાતેથી માઁ અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ
કર્યો હતો આ ડેલિગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ જોડાયા હતા. તેઓ
બનાસકાંઠાના વડગામ તાલુકાની મુમનવાસ દૂધ ઉત્પાદક મંડળી,બનાસ ડેરી ખાતે ચીઝ, UHT અને પ્રોટીન પ્લાન્ટ, બનાસ મેડિકલ કોલેજ મોરીયા, બાદરપુરા
પ્લાન્ટ, ડીસા તાલુકાના દામા સિમેન સ્ટેશન અને બાયો સીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે. આ ડેલીગેશન વાવ - થરાદ જિલ્લાના લાખણી તાલુકાના
ઝેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે ત્યારબાદ લાખણી તાલુકાના
કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથળા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે. કેન્દ્ર
સરકારનું ડેલીગેશન વાવ - થરાદ જિલ્લાના થરાદ સ્થિત બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબ,
સણાદર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરીને માહિતી મેળવશે. બનાસ ડેરી થકી બનાસકાંઠા જિલ્લાએ સહકાર ક્ષેત્રે
ક્રાંતિ સર્જી છે. બનાસ મોડલ આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે. બનાસકાંઠાના ૫
લાખ પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના સહકાર થકી દૂધ ઉત્પાદન અને અનેક ધંધાઓ થકી
પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ