
સુરત, 5 ડિસેમ્બર (હિ.સ.)-સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે, સુરતના
ચોકબજાર ખાતે આગામી દિવસોમાં નવી આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે, ત્યારે
શહેરીજનોને આયુર્વેદિક સારવારનો લાભ મળે એ માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ
સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલપૂરતી ઓ.પી.ડી.સેવા શરૂ કરવામાં આવી છે.
શહેરીજનો સવારે 9.૦૦ થી 1.૦૦ અને બપોરે 3.૦૦ થી 5.૦૦ વાગ્યા દરમિયાન ઓ.પી.ડી.નો
લાભ લઇ વિવિધ રોગોના વિનામૂલ્યે નિદાન અને સારવાર મેળવી શકશે. દક્ષિણ ગુજરાતની આ
પ્રથમ સરકારી આયુષ હોસ્પિટલમાં આયુર્વેદિક સાથે હોમિયોપેથિક દવાઓ અને સારવાર પણ
અપાશે.
જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય મિલન દશોંદીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં
એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હતી, ત્યારે હવે ચોકબજાર ખાતે આવેલી જૂની સિવિલ હોસ્પિટલના
કેમ્પસમાં કેન્દ્રીય આયુષ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા
પાંચ માળની અદ્યતન નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણ પામી છે, જે આગામી
દિવસોમાં શરૂ થનાર છે. અહીં ઓ.,પી.ડી. શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આઉટડોર દર્દીઓને
આયુર્વેદિક સારવાર મળી રહેશે.
વૈદ્ય મિલન દશોંદીએ ઓ.પી.ડી.નો વધુમાં વધુ શહેરીજનો લાભ લે એવો અનુરોધ
કરતા કહ્યું કે, શરીર અને મનને
તંદુરસ્ત રાખવા માટે આ હોસ્પિટલ સમગ્ર શહેર સહિત દક્ષિણ ગુજરાત માટે એક મહત્વનું
આયુર્વેદિક સાથે હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનશે.
આયુર્વેદિક હોસ્પિટલના હેડ અને વૈદ્ય (પંચકર્મ) તુષાર શાહે જણાવ્યું કે, સુરતમાં 50 બેડની નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદની વિવિધ
સારવાર તબક્કાવાર શરૂ કરવામાં આવશે, ત્યારે હાલ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલી વિનામૂલ્યે
ઓ.પી.ડી.સેવાનો વિનામૂલ્યે લાભ લેવા સુરતવાસીઓને જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે