

પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.) : દુબઈમાં 7 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાનારી એશિયન યુથ પેરા ગેમ્સ માટે ભારત તરફથી પસંદ થયેલા યુવા પારા ખેલાડીઓમાં ગુજરાતના ખેલાડીનો પણ ગૌરવપૂર્ણ સમાવેશ થયો છે. જેમાં પોરબંદર જિલ્લાના પ્રિયાબેન સરમણભાઈ કોડીયાતરની ગેમ્સ રમવા માટે પસંદગી કરવામાં આવી છે.
આ અવસરને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવીને ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી.અને આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતના પોરબંદર જિલ્લાના પ્રિયાબેન કોડીયાતરનું પ્રતિનિધિત્વ રાજ્ય માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે,પ્રિયાબેન સરમણભાઈ કોડીયાતરની રાષ્ટ્રીય સિદ્ધિઓમાં 12મું નેશનલ જુનિયર અને સબ-જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ–2023 માં લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ (અખિલ ભારતીય સ્તરે ૩જો ક્રમ),100 મીટર દોડ સિલ્વર મેડલ (અખિલ ભારતીય સ્તરે 2જો ક્રમ),ભાલા ફેંક – સિલ્વર મેડલ (અખિલ ભારતીય સ્તરે ૨જો ક્રમ) પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
14 મું જુનિયર અને સબ-જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ–2025 માં યુ–20 લોંગ જમ્પ ટી–46 માં 4.01 મીટર (અખિલ ભારતીય સ્તરે પ્રથમ ક્રમ(ગોલ્ડ મેડલ) અને યુ–20 માં 100 મીટર દોડ ટી–46 સમય – 16.19સેકન્ડ (અખિલ ભારતીય સ્તરે 4 થો ક્રમ) પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ખેલ મહાકુંભ રાજ્ય સ્તરની સિદ્ધિઓમાં ખેલ મહાકુંભ રાજ્ય સ્તર પારા એથ્લેટિક્સ 2022 માં હાઇ જમ્પ – પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ) અને લોંગ જમ્પ –થર્ડ ક્રમ (બ્રોન્ઝ મેડલ)ખેલ મહાકુંભ 3.0 રાજ્ય સ્તર પારા એથ્લેટિક્સ 2024- 25 મા 100 મીટર દોડમાં પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ) અને લોંગ જમ્પમાં પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ) મેળવી પોરબંદર જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya