


ગાંધીનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગુરુવારે ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. 28329 ચો.મી.જમીન પર કુલ રૂ.14.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રમત સંકુલ યુવાઓના સપનાં સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રંથાલય ભવનનું ઇ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે રમત સંકુલના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધાઓને “યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ” ગણાવી પ્રશંસા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાઓ, બાળકો અને વડીલો સહિત દરેક નાગરિક માટે વિકાસની નવી તક ઉભી થઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે આજે “યુવાઓનું સ્વપ્ન સાકાર થયું છે” અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે એની સાક્ષાત્ અસર બનાસમાં જોવા મળી છે. જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓ ઉભી કરાઈ છે.
પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામમાં 20 હજાર પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો.
યુવાઓ મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વમંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા–પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો.
રાજ્ય સરકાર દ્વારા યુવાશક્તિને પ્રોત્સાહન આપવા પૂરું પાડવામાં આવી રહેલા પ્લેટફોર્મ બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર અને ટીમ બનાસનો આભાર વ્યક્ત કર્યો.
ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સંઘર્ષ, સેવા અને બલિદાન જેવી મૂલ્યોમાંથી નેતૃત્વના ગુણો વિકસે છે. સાચું નેતૃત્વ એ છે, જેનાથી કોઈનું જીવનધોરણ ઊંચું ઉઠે અને સમાજને નવી દિશા મળે.
રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે, જે યુવાશક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત થશે.
ધારાસભ્યએ જણાવ્યું કે આજે ડીસાના યુવાઓનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન સાકાર થયું છે. આ સુવિધાઓની ભેટ બદલ તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મંચસ્થ મહાનુભાવોને વિનમ્ર આવકારતા ધારાસભ્યએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવનાર દરેકનો આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં રમત ગમત રાજ્ય મંત્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, દિનેશ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર સંદિપ સાંગલે, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ