વલસાડના તીથલ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ ઉજવાયો
વલસાડ, 5 ડિસેમ્બર (હિ.સ.) : અક્ષર પૂર્ણિમાના પવિત્ર દિવસે વલસાડના તીથલ સ્થિત બી.એ. પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ વિશેષ આધ્યાત્મિક ઉમંગ, પરંપરાગત વૈદિક પૂજન અને ભક્તિભાવથી ઉજવાયો હતો. પાટોત્સવની પ્રાતઃકાળે મંદિરનાં નગારા, શંખ, ઘંટનાદ
સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ ઉજવાયો


વલસાડ, 5 ડિસેમ્બર (હિ.સ.) : અક્ષર પૂર્ણિમાના પવિત્ર દિવસે વલસાડના તીથલ સ્થિત બી.એ. પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ વિશેષ આધ્યાત્મિક ઉમંગ, પરંપરાગત વૈદિક પૂજન અને ભક્તિભાવથી ઉજવાયો હતો. પાટોત્સવની પ્રાતઃકાળે મંદિરનાં નગારા, શંખ, ઘંટનાદ, આરતી અને વેદમંત્રોના ઉચ્ચાર સાથે સમગ્ર પરિસર શુદ્ધ, પવિત્ર અને ઉર્જાસભર બની ગયું હતું.

પાટોત્સવની શરૂઆત વૈદિક પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી. પૂ.સંતો દ્વારા વિધિવત મંત્રોચ્ચાર, પંચામૃત અને પુષ્પાંજલિ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ, સનાતન ધર્મના ઉપાસ્ય મૂર્તિઓ ભગવાન શ્રી રાધાકૃષ્ણ, શ્રી શંકર પાર્વતી, ભગવાન સીતારામ, હનુમાનજી ગણપતિજી અને ગુરુ પરંપરાને પૂજન અભિષેક કરવામાં આવ્યો હતો. આ પૂજન દરમ્યાન ભક્તોએ સંપૂર્ણ એકાગ્રતા સાથે વૈદિક શાંતિ પાઠ કરી ભગવાન સમક્ષ શાંતિ, કરુણા, સુખાકારી સાથે સર્વકલ્યાણની પ્રાર્થના કરી હતી. શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજની ચલમૂર્તિના અભિષેક વિધિમાં સૌ હરિભક્તોએ વિશેષ લાભ લીધો હતો. ભગવાનના દર્શન અને અભિષેક માટે ઉપસ્થિત હરિભક્તોના સમૂહે સમગ્ર પરિસર જયઘોષોથી ગુંજતું કરી દીધું હતું.

પાટોત્સવ નિમિત્તે પરંપરાગત વિવિધ પ્રકારના પ્રસાદનો અન્નકૂટ પણ ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યા પધારેલા સૌ દર્શનાર્થી ભક્તો ભાવવિભોર બન્યા હતા. સૌ દર્શન સાથે મહાપ્રસાદનો લાભ પણ લીધો.

સંધ્યા સમયે યોજાયેલી સત્સંગ સભા વિશેષ પ્રેરણાદાયી બની હતી. સેલવાસથી પૂજ્ય ચિન્મયદાસ સ્વામી અને તિથલ મંદિરના કોઠારી પૂ.વિવેકસ્વરૂપ સ્વામી દ્વારા સમાજના આધ્યાત્મિક ઉત્કર્ષમાં ખાસ કરીને સંસ્કારસિંચન, સેવા-ભક્તિમાં આ સનાતન ધર્મના વાહક મંદિરો દ્વારા કેવી રીતે પોષણ મળે છે અને લોકોનું જીવન કેવી રીતે વ્યસનમુક્ત, સદાચારી અને ઉન્નત બને છે એની પ્રેરણાદાયી વાતો પ્રસંગો દ્વારા કથાવાર્તાના માધ્યમથી સમજાવી હતી અને આજના પાટોત્સવનો ઐતિહાસિક મહિમા સમજાવામાં આવ્યો હતો. સાથે આ કથાવાર્તાથી સમાજમાં આધ્યાત્મિકતા, શાશ્વત મૂલ્યો, શાંતિ અને સેવા જેવા મૂલ્યો ઉપસ્થિત ભક્તો અને ભાવિકોએ હ્રદયપૂર્વક ગ્રહણ કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande