
જામનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક યુવાને બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર સામે હુમલાની ફરિયાદ કર્યા પછી પ્રમુખે વળતી ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ચારેક મહિના પહેલાં આ યુવાને બાઈકની ડેકીમાંથી છરી કાઢી ધમકી આપી હતી અને પ્રમુખના પૌત્રીની છેડતી પણ કરી હતી.
જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતા અહેમદરઝા મહંમદહુસેન નાઈ નામના યુવાન ગયા રવિવારે સવારે સાડા નવેક વાગ્યે પોતાના ઘર પાસે હતા ત્યારે સ્વીફટ મોટરમાં જુમા દોસ્તમામદ ખફી તથા તેનો પુત્ર આરીફ જુમા ખફી ધસી આવ્યા હતા. દોઢેક વર્ષ પહેલાં અહેમદરઝાને કોઈ બાબતે આરીફ જુમા સહિતના વ્યક્તિઓએ માર માર્યાે હતો. જેની અહેમદરઝાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેનો ખાર રાખી ઉપરોક્ત હુમલો કરાયો હતો.
મોટરમાંથી આ શખ્સોએ ધોકો કાઢી હુમલો કર્યા પછી અહેમદરઝાના પત્નીને આરીફ જુમાએ હવે તમે અહીંયા રહીને દેખાડજો તેમ કહી તારૂ પૂરૂ કરી નાખવું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વીડિયો ઉતારવો હોય તો ઉતારી લે તેમ પણ કહ્યું હતું.
આ બાબતની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાયા પછી ગઈકાલે જુમાભાઈ દોસમામદ ખફીએ વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ ગઈ તા.૧૩ જુલાઈની બપોરે અહેમદ રઝાએ તને જ શોધતો હતો તેમ કહી પોતાની બાઈકની ડેકીમાંથી છરી કાઢયા પછી ધમકી આપી હતી અને જુમાભાઈની પૌત્રીનો શાળા સુધી પીછો કરી તેની અહેમદ રઝાએ છેડતી પણ કરી હતી. પોલીસે આ ફરિયાદ રજીસ્ટરે લીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt