
સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા અંત્રોલી ગામમાં રહેતી પરિણીતાને લોનની જરૂર હોવાથી તેમણે કતારગામ વિસ્તારમાં આવેલ દેવ ફાઈનાન્સ ઓફિસનો સંપર્ક કર્યો હતો. જેના માલિકે તેમને લોન આપવાનું કહીને તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈ લીધા હતા. જોકે ત્યારબાદ પરણીતાની જાણ બહાર બારોબાર તેમના નામે બે અલગ અલગ કાર લોન પર ખરીદી લીધી હતી અને બાદમાં તેના હપ્તા પણ નહીં ભરી પરણીતા સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર તમામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ અંત્રોલી ગામમાં એસ કે જી સ્કૂલ પાસે રહેતા રામકિશોર હરિપ્રસાદ શર્માની પત્ની રેણુબહેનને લોનની જરૂર હતી. જેથી તેઓએ કતારગામ વિસ્તારમાં નગીના વાડી ખાતે આવેલ આર જે ડી બિઝનેસ હબમાં આવેલ દેવ ફાઈનાન્સ ઓફિસ નો સંપર્ક કર્યો હતો. જ્યાં હાજર દેવાંગ નાકરાણી નામના વ્યક્તિએ જાન્યુઆરી 2023 માં તેમને લોન અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ તેમણે રેણુ બહેન પાસેથી લોન માટેના જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈ લીધા હતા. જોકે બાદમાં જાન્યુઆરી 2023 થી જુન 2023 સુધી તેમને માત્ર ધક્કા ખવડાવી સરખો જવાબ આપ્યો ન હતો અને આ દરમિયાન દેવાંગના નકારાણીએ રેણુ બહેનના નામે લોન કરાવી એક ક્રેટા કાર GJ-19-BE-7665 અને બીજી એક ગાડી GJ-19-BJ-0687 ખરીદી લીધી હતી અને ત્યારબાદ આ બંને ગાડીના હપ્તા પણ નહીં ભરી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર બહેને આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે