
- અગાઉના કેસની સજાથી અલગ ભોગવવાની રહેશે
- ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે
અમદાવાદ, 6 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના ચર્ચાસ્પદ રહેલા પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને મની લોન્ડરીંગ કેસમાં પીએમએલએ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી. મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પીએમએલએ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે.
આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે.
પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા જ્યારે કચ્છ કલેકટર હતા ત્યારે વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેની સામે રાજકોટ સીઆઇડી ક્રાઈમ પોલીસ મથકમાં 2010માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ પીએમએલએ કોર્ટમાં વર્ષ 2016માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
પ્રદીપ શર્માએ ભ્રષ્ટાચારના કોરોડ રૂપિયા પોતાની પત્ની અને અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીના ખાતમાં મોકલ્યા હોવાનો આરોપ છે.
પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં સજાનું એલાન કરતા કોર્ટે કહ્યું છે કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત ઈડીએ અધિકારીની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે.
આઠ મહિના પહેલા ભુજ કોર્ટે પણ જમીન ફાળવણીના કેસમાં સજા ફટકારી હતી
કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા હતા. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સોપાઇપ અસ લિમિટેડને સમાઘોઘા, મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેકટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઇને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ