
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના પૂર્વ સરપંચ સફૂરુનીસાબેન પઠાણે કિડની દાન કરેલા તેમની ઉમદા માનવતાભીની ભાવનાને બિરદાવવા માટે અમદાવાદમાં જાહેર સન્માન સમારોહ યોજાયો. મુસ્લિમ વેલ્ફેર સોસાયટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સેવા અને ત્યાગને માન આપવામાં આવ્યું.
અમદાવાદના અસારવા સિવિલ કમ્પાઉન્ડ સ્થિત અસ્મિતા ભવન ખાતે આયોજિત આ સમારોહ અંગદાન જનજાગૃતિ અભિયાનનો ભાગ હતો. સફૂરુનીસાબેન, સામાજિક કાર્યકર જાવેદભાઈ પઠાણની ધર્મપત્ની છે, અને તેમના આ કાર્યથી સમાજમાં નવી પ્રેરણા સર્જાઈ છે.
આ પ્રસંગે દિલીપ દેશમુખ દાદા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, વકફ બોર્ડના ચેરમેન ડૉ. મોહસીન લોખંડવાલા, સિવિલ હોસ્પિટલના વડા ડૉ. રાકેશ દોશી સહિત અનેક મહાનુભાવો તથા મુસ્લિમ સમાજના અંગદાનથી લાભાન્વિત દંપતીઓ હાજર રહ્યા હતા. આ સન્માનનો મુખ્ય હેતુ વધુ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ