
સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.) : શહેરના મજુરાગેટ વિસ્તારમાં આવેલ નવી સિવિલ હોસ્પિટલમાં ન્યુ યુ.જી. બોયઝ હોસ્પિટલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીનું લેપટોપ અને તેના ચાર મોબાઈલ ચોરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર વિદ્યાર્થીએ આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ બારડોલીના વતની અને સુરતના મજુરાગેટ પાસે આવેલ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ન્યુ યુ.જી. બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ક્રિષ્ના રિતેશભાઇ ચીનય એ ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તારીખ 3/12/2025 ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં તે ઘરમાં હાજર હતો ત્યારે અજાણ્યા ચોર ઇસમ ઘરમાં પ્રવેશ કરી તેમને નજર ચૂકવી રૂપિયા 35,000 નો લેપટોપ તથા રૂપિયા 15,000 નો વિવો કંપનીનો એક ફોન તથા રૂપિયા 10,000 નો વિવો કંપનીનો એક ફોન તથા રૂપિયા 12 હજારનો સેમસંગ કંપનીનો ફોન અને રૂપિયા 12 હજારની કિંમતનો વન પ્લસ કંપનીનો ફોન મળી અજાણ્યો ઈસમ કુલ ચાર મોબાઇલ અને લેપટોપની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર ક્રિષ્નાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ રૂપિયા 84 હજારની ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે