
સોમનાથ 6 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ તા. 06/12/2025, શનિવાર, માર્ગશીર્ષ કૃષ્ણ બીજ ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે, માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે, ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહા આદ્રા નક્ષત્રનું પૌરાણિક મહત્ત્વ:
શાસ્ત્રો અનુસાર, માર્ગશીર્ષ માસમાં આવતા આદ્રા નક્ષત્રનું વિશેષ મહાત્મય છે. પૌરાણિક કથા મુજબ, આ પવિત્ર દિવસે જ ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ તેમના તેજોમય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ જ કારણોસર, આ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજાનો આરંભ થયો હતો અને સર્વપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ કરી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આજે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે, આજના દિવસે શિવ આરાધના, પંચાક્ષર સ્તોત્રનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
શતરુદ્રિય અભિષેક અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના:
આ પવિત્ર દિવસે, સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. પરંપરાગત વિધિ મુજબ, ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રિય અભિષેક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ શતરુદ્રિય પાઠ દ્વારા દેવાધિદેવ મહાદેવ સમક્ષ સમગ્ર વિશ્વ કલ્યાણની કામના સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરીને શિવ પૂજા-અર્ચના, આરતી કરી પ્રસાદી અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.
મહા આદ્રા નક્ષત્રના આ શુભ દિવસે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક અને ગંગાજળ અભિષેક, બિલ્વ પૂજા, મહામૃત્યુંજય જાપ સહિત અભિષેકાત્મક અને જપાત્મક પૂજનોનો લાભ લઈને ભક્તોએ પુણ્ય અર્જન કર્યું હતું અને પવિત્રતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ