
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિપૂજન વિધિવત રીતે વિદ્વાન બ્રાહ્મણ અમિત ઓઝા દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે દાતા અરવિંદકૃષ્ણાલાલ દવે, જયશ્રી દવે, કૈલાશ વ્યાસ, મનોજ વ્યાસ સહિત પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, પ્રમુખ હિરલ પરમાર, કારોબારી સભ્યો અને મહેમાનો હાજર રહ્યા હતા. હોલનો સમગ્ર ખર્ચ દાતા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે.
હોલના ઉપર અને નીચેના બંને માળે આધુનિક ટેકનોલોજી સાથે સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેથી પાટણના વરિષ્ઠ નાગરિકો નિવૃત્ત જીવનનો સમય વધુ સુખદ અને ઉપયોગી રીતે વીતી શકે. હોલમાં હોમ થિયેટર દ્વારા સમાચાર, ધાર્મિક પ્રવચનો, મનોરંજન કાર્યક્રમો, મોટીવેશનલ લેક્ચર અને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
આવી અદ્યતન સુવિધાઓ ધરાવતું આ હોલ ગુજરાતની પ્રથમ લાઇબ્રેરી તરીકે ઉભરી રહ્યું છે, જે પાટણ શહેર માટે ગૌરવપૂર્ણ બાબત છે. પુસ્તકાલય તરફથી દાતા પરિવારે કરેલા આ ઉમદા કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ