
જામનગર,6 ડિસેમ્બર (હિ.સ.) જામનગર તાલુકાના નવા નાગના ગામના બે ખેડૂતોની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રીતે ખોદકામ કરી રૂપિયા ચાર લાખની માટીની ચોરી કરી હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. બેડી મરીન પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે ખાનગી કંપનીના જવાબદાર કર્મચારીઓ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બેડી મરીન પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જીતેન્દ્ર રામજીભાઈ રાઠોડ નામના યુવાને ખેડૂતે પોતાની સર્વે નંબર 151 વાળી જમીન, તેમજ બાજુમાં જ આવેલી અન્ય ખેડૂતની સર્વે નંબર 150 વાળી જમીન, કે જે બંને જમીનમાંથી છેલ્લા નવ મહિનાના સમયગાળા દરમિયાન એ.એન્ડ ટી. પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના જવાબદાર કર્મચારીઓ દ્વારા ખોદકામ કરી રૂા.4,06,339 ની કિંમતનો કુલ 1646.76 મેટ્રિક ટન માટીનો જથ્થો કાઢી તેનો ઉપયોગ પોતાની કંપની માટે કરી લેવાયો હતો.
આ મામલે ખેડૂત દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર સમસ સ્વાગત ફરિયાદ નિવારણના અનુસંધાને અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન તપાસમાં એ.એન્ડ ટી. પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ માટીનું ખોદકામ કરી લીધું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એસ. પોપટ અને તેઓની ટીમેં ખેડૂત જીતેન્દ્ર રાઠોડની ફરિયાદના આધારે ખાનગી કંપનીના જવાબદાર કર્મચારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ગુન્હો નોંધી આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt