
અમદાવાદ,6 ડિસેમ્બર (હિ.સ.) ઇંડિગો એરલાઇનની પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે.અમદાવાદ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવી ભીડ જામી છે, લોકોના રોષનો ઇન્ડિગો એરલાઈન્સ ભોગ બન્યા.ગઈકાલે ઇન્ડિગો એરલાઈન્સના સીઇઓ પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે, તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે.
આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેમાં વડોદરા એરપોર્ટથી છ ફ્લાઈટ રદ થઈ છે. તો અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં અરાઇવલ 7 અને ડિપારચર 12 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટની પણ એક મુબઈની ફ્લાઈટ રદ કરાઈ છે. દિવસ દરમિયાન રાજકોટ એરપોર્ટ ઉપરથી દિલ્હીની 4, મુંબઈની 4, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની એક-એક ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, આ ફ્લાઇટ એકંદરે અડધો કલાક મોડી પડી રહી છે.
ટ્રેન નંબર 09497 સાબરમતી-દિલ્હી સ્પેશિયલ 7 અને 9 ડિસેમ્બર 2025ના રોજ સાબરમતીથી 10:55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 3:15 વાગ્યે દિલ્હી પહોંચશે.
ટ્રેન નંબર 09498 દિલ્હી-સાબરમતી સ્પેશિયલ 8 અને 10 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી જંક્શનથી 9 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે.
ભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કરવામાં આવ્યા છે. જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ