ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી: ગુજરાતમાં ભારે અસર, આજે પણ ડઝનો ઉડાન રદ
સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.)-દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે સર્જાયેલી કટોકટી આજે ચોથા દિવસે પણ ચાલુ રહી. ગઈકાલે (5 ડિસેમ્બર) એરલાઇનના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર માફી માંગીને જણાવ્યું હતું કે 15 ડિસેમ
26 ફ્લાઇટ રદ


સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.)-દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે સર્જાયેલી કટોકટી આજે ચોથા દિવસે પણ ચાલુ રહી. ગઈકાલે (5 ડિસેમ્બર) એરલાઇનના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર માફી માંગીને જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર સુધી મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માત્ર ગઈકાલે જ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ મળીને 155 ફ્લાઈટ રદ કરાઈ હતી.

આજે પણ રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 26 ફ્લાઇટ કેન્સલ થઈ છે.

વડોદરા એરપોર્ટ પરથી 6 ફ્લાઇટ રદ, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર રાતે 12 થી સવારના 6 વચ્ચે 7 અરાઇવલ અને 12 ડીપાર્ચર કેન્સલ થયા છે. રાજકોટ એરપોર્ટથી મુંબઈની એક ફ્લાઇટ રદ થઈ છે.

વડોદરા એરપોર્ટથી રદ થયેલી ફ્લાઇટ્સ (6 ડિસેમ્બર, સવારના 8 સુધી)

રૂટ ફ્લાઈટ નંબર

હૈદરાબાદ–વડોદરા 6E-2178

વડોદરા–ગોવા 6E-105

ગોવા–વડોદરા 6E-104

વડોદરા–હૈદરાબાદ 6E-2179

મુંબઈ–વડોદરા 6E-2168

વડોદરા–મુંબઈ 6E-5138

વડોદરાની બે સવારની ફ્લાઇટ 4 કલાકથી વધુ મોડું થવાનું ધ્યાનમાં આવ્યું છે:

રૂટ ફ્લાઈટ નંબર

વડોદરા–મુંબઈ 6E-6087

મુંબઈ–વડોદરા 6E-5126

રાજકોટ એરપોર્ટ: મોટાભાગની ફ્લાઇટ્સ સામાન્ય, માત્ર એક ફ્લાઇટ કેન્સલ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ઇન્ડિગોની સેવા લગભગ પૂર્વવત થઈ ગઈ છે.

દિલ્હીની સવારની ફ્લાઇટ સમયસર ઉડી ગઈ છે. દિવસ દરમિયાન કુલ 8 ફ્લાઈટમાંથી માત્ર મુંબઈની એક ફ્લાઇટ રદ જાહેર થઈ છે.

આજે રાજકોટમાંથી નીચેની ફ્લાઇટ્સનું સંચાલન થશે:

દિલ્હી – 4 ફ્લાઇટ

મુંબઈ – 4 ફ્લાઇટ (એક કેન્સલ)

ગોવા – 1 ફ્લાઇટ

હૈદરાબાદ – 1 ફ્લાઇટ

બેંગલોર – 1 ફ્લાઇટ

બધાં રૂટ્સ પર સરેરાશ 30 મિનિટનું વિલંબ નોંધવામાં આવી રહ્યું છે.

ગઈકાલે (5 ડિસે.) રાજકોટમાં ઇન્ડિગોની તમામ 8 ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે આજે સ્થિતિ કંઈક હદ સુધી સામાન્ય થઈ છે.

સુરત એરપોર્ટ પર ઈન્ડિગોના અનેક યાત્રીઓની હાલત કફોડી બની હતી. ખાસ કરીને દુબઈ જતી ફ્લાઈટ લગભગ પાંચથી છ કલાક જેટલી રિ-શિડ્યુલ થતાં મુસાફરો માટે લાંબો સમય એરપોર્ટ પર વિતાવવો એક મોટો પ્રશ્ન બની ગયો હતો. એરપોર્ટની અંદર પ્રવેશવાની પરવાનગી ન હોવાને કારણે, બહારના પરિસરમાં બેસી રહેલા મુસાફરો કંટાળી ઉઠ્યા હતા. આ કંટાળાજનક માહોલ વચ્ચે, દુબઈ જવાની રાહ જોઈ રહેલા કેટલાક યુવાનોએ સમય પસાર કરવા માટે એક અનોખી તરકીબ શોધી કાઢી હતી. ફ્લાઈટના લાંબા વિલંબથી કંટાળીને આ યુવાનો એરપોર્ટના પરિસરમાં જ 'ઉનો' રમતા નજરે પડ્યા હતા. તેમના આ દૃશ્યએ વિલંબથી કંટાળેલા અન્ય મુસાફરોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.

સુરતના દીપકભાઈ જે છેલ્લા દસ વર્ષથી દુબઈમાં નોકરી કરે છે, તેઓ ઇમરજન્સી રજા લઈને સુરત આવ્યા હતા. આજે તેમને દુબઈ જવા માટે રવાના થવાનું હતું અને તેમની ફ્લાઈટ નિર્ધારિત હતી. તેમણે ટ્રાવેલ એજન્ટ મારફત ટિકિટ બુક કરાવી હતી, પરંતુ અત્યાર સુધીમાં તેમની ફ્લાઈટ રિ-શિડ્યુલ થઈ હોવાનું બતાવી રહી છે.દીપકભાઈએ જણાવ્યું હતું કે, મારી રજાઓ પૂરી થઈ ગઈ છે અને હું અહીંથી દુબઈ જઈશ ત્યારે મારી સાથે નોકરી કરનાર અન્ય વ્યક્તિ ત્યાંથી રજા લઈને પોતાના વતન જશે. કારણ કે, તેનું લગ્ન છે. હાલ ટિકિટનો ભાવ પણ બહુ વધારે છે. જે ટિકિટ મેં 16,000માં લીધી હતી, તે અત્યારે 45,000ની બતાવી રહી છે. દસ વર્ષથી નોકરી કરું છું, પરંતુ આવી પરિસ્થિતિ પ્રથમવાર જોઈ છે. આ લોકો યોગ્ય જવાબ પણ નથી આપતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande