
જૂનાગઢ 6 ડિસેમ્બર (હિ.સ.) ગરવા ગિરનારને સર કરવા ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૪-૧-૨૦૨૬ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ, ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોને રહેવા- જમવાની સુવિધાઓ માટે પૂર્વ તૈયારીઓની જાણકારી મેળવી હતી. ઉપરાંત જોખમી ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોને ત્વરિત જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે એમ્બ્યુલન્સ અને પુરતી મેડિકલ ટીમ તૈનાત રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં સ્પર્ધાને અનુલક્ષીને સાફ સફાઈ, વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે, ગિરનાર સીડી રીપેરીંગ સહિતની બાબતે કલેક્ટરએ સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૮મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસની પહેલી તારીખે યોજાનાર છે, ત્યારે તેના આયોજન અંગે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
અખિલ ગુજરાત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા માટે રાજયભરમાંથી કુલ ૧૩૭૭ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સિનિયર ભાઈઓ -૬૧૧, જુનિયર ભાઈઓ -૩૪૬, સિનિયર બહેનો -૧૬૬ અને જુનિયર બહેનો -૨૫૪ એમ મળી કુલ – ૧૩૭૭ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું છે.
આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ ગિરનાર આરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પુરવઠા અધિકારી કીશન ગળચર,ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, નાયબ કમીશનર ડી.જે.જાડેજા સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ