
સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.) : શહેરના મહીધરપુરા વિસ્તારમાં વેપાર કરતાં વેપારીને મુંબઈનો ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. મુંબઈના વેપારીએ તેમની પાસેથી રૂપિયા 40 લાખના હીરાનો માલ લીધા બાદ એક પણ રૂપિયા નહીં ચૂકવી બાદમાં ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. જેથી ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પારસમણી પલ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક સામે 40 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ડભોલી વિસ્તારમાં હની હાઈટ્સ ની બાજુમાં આવેલ સમ્રાટ સ્કાય લાઇન્ડમાં રહેતા કલ્પેશભાઈ ધનજીભાઈ ચોવટીયા હીરાનો વેપાર કરે છે. મહિધરપુરા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચેમ્બર્સમાં તેમની ઓફિસ આવેલી છે. વર્ષ 2024 માં મુકેશ બાબુભાઇ સોની (પારસમણી પલ્સ એન્ડ જવેલર્સ એક્ષ્પોર્ટ પ્રા.લીમીટેડના માલીક) (ઓફીસ સરનામુ-27 મહાકાળી બિલ્ડીંગ,પાઇઘુની,ઝવેરીબજાર, મુંબઇ-3) (રહે. ફલેટ નંબર-52, ચોથોમાળ, બિલ્ડીંગ નંબર-2, શ્રી રાજેન્દૃ કો-ઓપ.હાઉસીંગ સોસા.બોરીવલી ઇસ્ટ,મુંબઇ) કલ્પેશભાઈ ના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મુકેશ સોનીએ ગત તારીખ 16/9/2024 થી તારીખ 2/1/2025 ના સમયગાળાની અંદર કલ્પેશભાઈ પાસેથી પારસમણી પલ્સ એન્ડ જવેલર્સ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ ફોર્મ ના નામથી અલગ અલગ ક્વોલિટીના રૂપિયા 40.39 લાખના હીરા ખરીદી કર્યા હતા. આ તમામ રકમ 15 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો પરંતુ મુકેશભાઈએ એક પણ રૂપિયો નહીં ચૂકવી સમય પસાર કર્યો હતો. જેથી કલ્પેશભાઈ એ પૈસાની માંગણી કરતા છેવટે મુકેશ સોનીએ ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધું હતું. જેથી આખરે ભોગ બનનાર કલ્પેશ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 40.39 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે