

પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. કુલ મળી ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે LCBની ટીમે RJ-27-GB-9889 નંબરના કન્ટેનર ટ્રકમાંથી પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની 16,427 બોટલો કબજે કરી હતી. દારૂને છુપાવવા ટ્રકમાં બેસનના 684 કટ્ટા (જેમા ભૂસું ભરેલું હતું) રાખી ખોટા બિલ બનાવી હેરાફેરી કરવામાં આવી રહી હતી.
આ કાર્યવાહી દરમિયાન દારૂ, કન્ટેનર ટ્રક, બેસનના કટ્ટા, મોબાઈલ ફોન, રોકડ તથા ઇન્વોઇસ બિલ સહિત કુલ ₹1,02,38,438નો મુદ્દામાલ જપ્ત થયો છે. પોલીસએ આ કેસમાં કાલુખાન સુગનેખાન ચોથાખાન મીર (રહે. ફતેગઢ, જી. જેસલમેર, રાજસ્થાન) નામના ડ્રાઈવર આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ દારૂ પંજાબથી સુરત પહોંચાડવાનો હતો તેવી માહિતી આપી.
આ કેસમાં પ્રકાશપુરી સ્વામી (મહારાજ), રાજુરામ બિશ્નોઇ (બાડમેર), કન્ટેનર માલિક ડેમારામ પુનીયો તથા સુરતમાં માલ મંગાવનાર અજાણ્યો વ્યક્તિ સહિતના અન્ય આરોપીઓ હાલ ફરાર છે. સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ