પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક બને છે
રાજકોટ,6 ડિસેમ્બર (હિ.સ.) આધુનિક યુગમાં લોકોનો આરોગ્ય પ્રત્યેનો અભિગમ ઝડપથી બદલાઈ રહ્યો છે. આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થની વધતી જતી માંગને કારણે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં શાકભાજી અને ફળો જંતુનાશક વિના કુદરત
પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક બને છે


રાજકોટ,6 ડિસેમ્બર (હિ.સ.) આધુનિક યુગમાં લોકોનો આરોગ્ય પ્રત્યેનો અભિગમ ઝડપથી બદલાઈ રહ્યો છે. આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થની વધતી જતી માંગને કારણે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં શાકભાજી અને ફળો જંતુનાશક વિના કુદરતી રીતે ઊગાડવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીએ પ્રાકૃતિક ખેતીથી વટાણાનું ઉત્પાદન કરવા વિશે..

વટાણા એવો પાક છે, જે શિયાળામાં ખૂબ સારી રીતે ઊગે છે અને પ્રાકૃતિક ખેતીમાં વધુ સારું પરિણામ આપે છે. વટાણામાં જમીનને નાઈટ્રોજન પૂરૂં પાડવાની શક્તિ હોય છે. જેથી, આગામી પાકને પણ પોષણ મળે છે.

પ્રાકૃતિક ખેતીમાં જમીનને વધારે ઉથલપાથલ કરવાની જરૂર પડતી નથી. ફક્ત જમીનની ઉપરની સપાટી હળવી રીતે તૈયાર કરીને, તેમાં ગાયનું ગોબર, ગાયનું મૂત્ર અને જીવામૃત જેવાં પ્રાકૃતિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો જમીન સૂક્ષ્મ જીવોથી સમૃદ્ધ બને છે અને પાક માટે યોગ્ય વાતાવરણ ઉભું થાય છે.

વટાણાના બીજને વાવણી પહેલાં થોડા કલાક બીજામૃત અથવા ગૌમૂત્રમાં ભીંજવવાથી અંકુરણ વધારે સરસ થાય છે. વટાણાની વાવણીનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીનો માનવામાં આવે છે. કારણ કે ઠંડુ વાતાવરણ વટાણાના વિકાસ માટે ઉત્તમ છે. પાકને વધારે પાણીની જરૂર પડતી નથી. તેથી, પાણી ભરાઈ રહે, તેવી જમીન ટાળવી જોઈએ. વાવણી પછી હળવું પાણી આપવાથી જમીનમાં ભેજ બને છે અને બીજ ઝડપથી ઊગે છે.

જેમ છોડ વધવા લાગે તેમ દર પંદર દિવસે જીવામૃતનો છાંટકાવ કરવામાં આવે તો છોડ તંદુરસ્ત રહે છે અને જીવાતોનો પ્રભાવ પણ ઓછો થાય છે. નીંદણને નિયંત્રણમાં રાખવા માટે મલ્ચિંગ ખૂબ અસરકારક છે. ઘાસ, પાંદડા અથવા પાકનાં અવશેષો જમીન પર પાથરવાથી ભેજ ટકી રહે છે અને નીંદણ ઓછું ઊગે છે. જીવાતો આવે તો લીમડાનું દ્રાવણ, છાશનો અર્ક છાંટવાથી પૂરતું નિયંત્રણ મળી જાય છે. તેથી, રસાયણોની કોઈ જરૂર પડતી નથી.

વટાણાનો પાક સામાન્ય રીતે બે મહિના પછી ફળીઓ આપવાનું શરૂ કરે છે. વેલો ફૂલોથી ભરાઈ જાય ત્યારે નિયમિત પાણી આપવાથી ફળીઓ લીલી બને છે. ફળીઓ નાજુક અને લીલી દેખાય તે સમયે સવારમાં કાપણી કરવી શ્રેષ્ઠ રહે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક હોય છે.

મહત્વની વાત એ છે કે, આ પદ્ધતિમાં ખર્ચ અત્યંત ઓછો છે અને જમીન વર્ષો સુધી ફળદ્રુપ અને જીવંત રહે છે.

આમ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ભીંડો, ટામેટા, રીંગણ, કાકડી, ભાજી, દુધી, મૂળા, ગાજર, લીલી હળદર, લીલું લસણ, ફૂદીનો, કોથમીર જેવા શાકભાજી ઉત્તમ ગુણવત્તા ધરાવતા મળી રહે છે. આ શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે છે અને સ્વાદ એકદમ સાત્વિક હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande