
જૂનાગઢ, 6 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આગાખાન સંસ્થાની સખીમંડળની બહેનોને મહિલાઓ અને કિશોરીઓ માટે કેન્દ્ર- રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા સેન્ટરો, વિવિધ યોજનાઓ તથા કાયદાકીય જોગવાઈઓ વિશે જાણકારી મળી રહે અને જાગૃતતા કેળવાય તે હેતુસર કેશોદ તાલુકાના શેરગઢ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન અને સખી-વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું..
આ મુલાકાત દરમિયાન સખીમંડળની બહેનો જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન, મહિલાલક્ષી યોજનાઓ,સખી-વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને તેના ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, સેન્ટરના પરના કર્મચારીઓએ પણ કઈ રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક આશ્રય, તબીબી સહાય, કાયદાકીય સલાહ અને માનસિક પરામર્શ (કાઉન્સેલિંગ) જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે અને કોઈપણ પીડિત મહિલા અહીં વિના મૂલ્યે મદદ મેળવી શકે છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીસ્ટ્રીક પર હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્ટાફ, સખી વન સ્ટોપ સ્ટાફ, આગાખાન સંસ્થાનો સ્ટાફ, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ