
જામનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમજેએવાય યોજના જાણે તબીબો કે હોસ્પિટલ માટે પૈસા છાપવાનું સાધન બની ગયું હોય તેમ અમદાવાદના ખ્યાતીકાંડ બાદ રાજ્યભરમાં ભારે ચકચાર ફેલાઇ હતી અને થોડા દિવસો પહેલા જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં ૫૩ દર્દીઓની કાર્ડીયાક સર્જરી ખોટી રીતે કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો ખુદ આરોગ્ય મંત્રાલય તરફથી કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણ હજુ ચાલું છે ત્યાં શહેરની બીજી ઓશવાળ આયુષ હોસ્પિટલમાં પીએમજેએવાય-મા કાર્ડ યોજના અંતર્ગત ૩૫ જેટલા દર્દીઓની હદય સંબંધી સારવારની જરૂર ન હોવા છતાં કરવામાં આવી હોવાનો સનસનાટીજનક ખુલાસો થયો છે, ગાંધીનગરના આરોગ્ય વિભાગ તરફથી આ હોસ્પિટલને આપવામાં આવેલી શો-કોઝ નોટીસમાં આ બાબત સામે આવી હોવાથી તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ભગવાન પછી જેને દર્દીઓ બીજો દરાજ્જો આપે છે એવા તબીબો પરથી લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
ગાંધીનગર ડો.જીવરાજ મહેતા ભવન ખાતે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના કમિશ્નર તથા અધિક નિયામક ડો.હીતેશ બ્રહ્મભટ્ટ દ્રારા ઓશવાળ આયુષ હોસ્પિટલને પીએમજેએવાય અને મા યોજના અંતર્ગત સસ્પેન્સન માટે પત્ર ક્રમાંક નં.એચઇસી૨૨૮૬૦૯૨૦૨૫થી શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે અને એ પણ તા.૨૧–૦૯–૨૦૨૫ના રોજ આપવામાં આવી છે.
નોટીસની સાથે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલનો તા.૧૧–૧૧–૨૦૨૫નો ઇ–મેઇલ ઇન્સ્યોરન્સ કંપનીની એક્ષસેલ સીટ અને આરોગ્ય કમિશ્નર તરફથી મળેલ મંજુરી વગરની બાબતો જોડવામાં આવી છે. આ નોટીસમાં જણાવાયું છે કે, પીએમજેએવાય-મા યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરીવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂ.૧૦ લાખ સુધી નિયત કરેલ પ્રાથમિક, સેકન્ડરી તેમજ ટર્શરી બિમારીઓ માટે કેશ લેસ સારવાર આપવામાં આવે છે.
નોટીસમાં જણાવાયું છે કે, જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં યોજનાના લાભાર્થીઓને આપવામાં આવેલ કાર્ડીયાક સારવાર બાબતે રિવ્યુ કરવાની જરૂર જણાતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં, જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ દ્રારા કરવામાં આવેલ ૩૫ કેસમાં જરૂર ન હોવા છતાં કાર્ડીયાક સારવાર આપવામાં આવી છે, જેની સંદર્ભ અનુસાર કુલ રૂા.૪૨,૨૫,૯૮૨ જેટલી રકમ પ્રિ–ઓથ ગણાવવામાં આવી છે, સાથે શો–કોઝ નોટીસમાં એવું પુછવામાં આવ્યું છે કે, આપને એટલે કે ઓશવાળ આયુષ હોસ્પિટલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવેલ છે જેનાથી વિદીત થશો.
મહત્વનું છે કે, જામનગરની આયુષ હોસ્પિટલમાં પણ બિનજરૂરી કાર્ડીયાક સર્જરી કરવામાં આવી હોવાનો જે ધડાકો થયો છે તેની પાછળ બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્રારા કરવામાં આવેલી તપાસ મુખ્ય રીતે નિમિત બની છે. આ કંપની દ્રારા ૩૫ કેસની પ્રિ–ઓથ અમાઉન્ટની એકસેલ સીટ આરોગ્ય વિભાગના ગાંધીનગર સ્થિત કમિશ્નરને આપવામાં આવી હતી અને એ પછી યુ.એન.મહેતામાં તપાસ થાય બાદ સ્પષ્ટ્ર થયું હતું કે, ખોટી રીતે સારવાર અપાઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt