




પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરની દિકરી બની દેશનું ગૌરવ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભના નામે વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે અને તેમાં ફળો આવી રહ્યા છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પોરબંદરના પ્રિયાબેન કોડીયાતર.
વર્ષ 2010 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી શરૂ કરેલો 'ખેલ મહાકુંભ' આજે ખેલાડીઓ માટે એક ઉત્તમ તક પૂરી પાડતું વટવૃક્ષ બની ચૂક્યું છે. આ યોજનાના ફળ સ્વરૂપે પોરબંદરની દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડીયાતરે આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને ગુજરાત રાજ્યનુ નામ રોશન કર્યું છે.
પોરબંદરના રાંધવા ગામની રહેવાસી પ્રિયાબેન કોડીયાતરે, જેમણે ખેલ મહાકુંભ થકી જ રમતગમતની શરૂઆત કરી હતી, તેમણે જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરા અને કોચ અજયભાઈ કરંગીયા તથા રાહુલભાઈ કારકીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. તેમણે નેશનલ કક્ષાની ઇવેન્ટમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને 100 મીટરમાં ચોથો રેન્ક મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
પ્રિયાબેન કોડીયાતરની અસાધારણ સિદ્ધિ એ છે કે, તેઓ પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યા છે અને આગામી 7 તારીખે દુબઈ ખાતે લોંગ જમ્પ અને 100 મીટરની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલની ઉત્કૃષ્ટ સુવિધાઓ અને સકારાત્મક વાતાવરણનો પૂરો લાભ લઈને પ્રિયાબેન આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું અને ભારતનું ગૌરવ વધારવા માટે સજ્જ છે. આ સિદ્ધિ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા ઊભી કરાયેલી રમતગમતની સંસ્કૃતિની સફળતાનું પ્રતીક છે.
પ્રિયાબેન કોડીયાતર પોતાની આ સફળતાનો પુરો શ્રેય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ખેલમહાકુંભને આપે છે. તેઓ જણાવે છે કે, પ્રાથમીક શાળાના અભ્યાસ દરમ્યાન ખેલમહાકુંભની જાણ થઈ અને તેમા ભાગ લીધો, બસ ત્યારથી આ રમતગમત ક્ષેત્ર સાથે જોડાણ થયુ અને હવે આતરાષ્ટ્રીય મંચ પર રમવા માટે સ્થાન મળ્યુ છે.
આ સંદર્ભે પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વર્ષ 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, જે જિલ્લાના ખેલાડીઓ માટે એક ઉત્તમ તક છે. તેમણે પોરબંદરના તમામ ખેલાડીઓને સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવાર-સાંજ ચાલતા તાલીમ સત્રોનો લાભ લઈને પોતાની રમતગમત કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
તેમજ પ્રીયાબેનના કોચ અજયભાઈ કરંગીયાએ પણ તેમની આ સફળતાને ગૌરવની ક્ષણ ગણાવી હતી અને જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લા રમગ ગમત વિકાસ અધિકારી મનિષ કુમાર જિલડીયા અને પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ રમત સંકુલ ખાતે બાળકોને તાલીમ આપવામાં આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રિયાબેન આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ પોરબંદ સહીત સમગ્ર રાજ્યનુ નામ રોશન કરશે.
પ્રિયાબેન કોડીયાતરની આ સિદ્ધિ ખરેખર પોરબંદર જિલ્લા સહીત સમગ્ર ગુજરાત રાજય માટે પણ ગૌરવની ક્ષણ છે. પોરબંદરની દીકરીની આ સિદ્ધિએ સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાવી છે અને હજારો યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા પુરી પાડી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya