

- બનાસ ડેરીના ET કાર્યક્રમની કેન્દ્ર અને રાજ્ય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા મુલાકાત.
ગાંધીનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વાવ–થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ડેરીના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ (Embryo Transfer) લેબોરેટરીની મુલાકાત લીધી હતી. તેમણે લેબોરેટરીની કાર્યપ્રણાલી, ટેક્નોલોજીકલ પાસાંઓ તેમજ પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
બનાસ ડેરી દ્વારા NDB તથા NDSના સહયોગથી આધુનિક ટેક્નોલોજી આધારિત એમ્બ્રિયો ટ્રાન્સફર (ET) કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. વર્ષ 2021થી રૈયા ફાર્મ ખાતે શરૂ થયેલી આ કામગીરી અંતર્ગત અત્યાર સુધી 700થી વધુ એમ્બ્રિયો ઉત્પન્ન, 522 એમ્બ્રિયો ટ્રાન્સફર તેમજ 83 સફળ ગર્ભધાન પ્રાપ્ત થયા છે. ઉપરાંત, 40થી વધુ એલાઇટ વાછરડાં ઉત્પન્ન કરવામાં આવતા આ પ્રોજેક્ટે મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે.
વર્તમાન સમયમાં ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) સ્થાપિત કરવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. અતિ-આધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી સાથે આ કેન્દ્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. નવી સુવિધા સંપૂર્ણ થાય ત્યાં સુધી રૈયા ફાર્મ ખાતે કન્ટેનર લેબોરેટરી દ્વારા તમામ કામગીરી સતત ચાલુ છે.
રૈયા ફાર્મ ખાતે કાંકરેજ, ગીર, સાહિવાલ, રાઠી, મેહસાણા, મુર્રાહ અને જાફરાબાદી જેવી ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રાણીઓ ઉપલબ્ધ છે, જેના આધારે એમ્બ્રિયો ઉત્પાદન તથા ટ્રાન્સફર પ્રક્રિયા સક્રિયપણે ચાલી રહી છે. તાજેતરમાં હાથ ધરાયેલા વિટ્રિફાઇડ એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્રાયલમાં 32.25% ગર્ભધાન પ્રાપ્ત થવું પ્રોજેક્ટના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ પરિણામ છે.
આગામી સમયમાં 4,000 થી 10,000 એમ્બ્રિયો ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેથી દેશના વિવિધ રાજ્યોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી જર્મપ્લાઝમ ઉપલબ્ધ થઈ શકે અને પશુ પ્રજનન ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવી શકાય.
મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પ્રવીણભાઈ માળી, સહકાર સચિવશ્રી આશિષ ભુતાની, અમૂલના ચેરમેન અશોક ચૌધરી સહિત મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ