
- તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે
અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ પશ્ચિમના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા સુભાષબ્રિજ હજી 15 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજ બંધ રહેશે, 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે અને તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે.
સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ હવે બ્રિજ અંગે જે નિર્ણય લેવાય ત્યાં સુધી બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સુભાષબ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ એજન્સીઓ પાસે આખા સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરાવવામાં આવી રહી છે. આજે 8 ડિસેમ્બરના રોજ વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષ બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. બ્રીજના તમામ પિલ્લર અને તમામ સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. તમામ પાસાઓ ઉપર તપાસ કરીને બે દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવશે.
આજે SVNIT સુરતની ટીમ બ્રિજ ઇન્સ્પેક્શન માટે અમદાવાદ આવવાની હતી. જોકે હવે ટીમ આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ મંગળવારે સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ માટે આવશે. બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમ પણ બ્રિજના ઇન્ફેક્શન અને ટેસ્ટ માટે આવશે જેથી આખા અઠવાડિયા દરમિયાન સુભાષબ્રિજના ટેસ્ટ અને ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે. સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન-ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. જે તમામ એજન્સીઓના સૂચનો અને રિપોર્ટના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર પાસે સુભાષ બ્રિજ અંગેનો નિર્ણય લેશે. અમદાવાદના સુભાષ બ્રિજની બનેલી ઘટનાને લઈને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની પણ નજર છે ત્યારે સમગ્ર બાબતે રાજ્ય સરકાર આ મામલે નિર્ણય લેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ