
અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : વિદેશી પક્ષીઓને નજીકથી નિહારવાના અમદાવાદ નજીક બે જાણીતા સ્થળ આવેલા છે. નળ સરોવર અને થોલ લેક જ્યાં વિદેશી પક્ષીઓને નજીકથી નિહારવાના ઉમળકા સાથે પરિવાર સાથે આવતા લોકો નિરાશ થઈને વીલા મોઢે પાછા ફરી રહ્યા છે. બોટમાં બેસીને વિદેશી મહેમાન, એટલે કે રંગબેરંગી વિવિધ પક્ષીઓનો કલવર સાંભળવો અને નજીકથી નિહારવા એ છે નળ સરોવરની ઓળખ ગણાય છે.
વહેલી સવારથી પર્યટક આવી બોટમાં બેસી પક્ષી નિહાળવા નઉઈકલી પડે. પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનાની ફૂલ ગુલાબી ઠંડી જામી ગઈ છે, પણ અમદાવાદથી માંડ 60 કિલોમીટર દૂર આવેલા આ કુદરતી પર્યટન સ્થળે સ્થિતિ જરા અલગ છે. કિનારેથી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જ પક્ષીદર્શન શક્ય, કારણ કે નળ સરોવરમાં પ્રવાસીઓને લઈને બોટ ચલાવવા પર પ્રતિબંધ છે.
વડોદરાના હરણીમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી હતી. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં બોટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો સાથે નવી SOP જાહેર કરી છે. આ SOPનું ચુસ્ત પાલન થાય તો જ બોટિંગ શરૂ કરી શકાય એમ જાહેર કરાયું છે. એમાં જ નળસરોવરમાં પેચ ફસાયો.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, નળ સરોવરમાં પણ નવા નિયમો, જેમાં લાઇફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત છે.પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી SOP ઘડવામાં આવી છે, જેમાં બોટની કેરિંગ કેપેસિટીનું પાલન, સેફટી જેકેટ, બોટમેન પાસે ફિટનેસ સર્ટિફિકેટનો ઉલ્લેખ છે. નળ સરોવરમાં બોટમેન પાસેથી રજિસ્ટ્રેશન પણ અમલીકરણ કરાવવામાં આવશે. આ પરિસ્થિતિને લીધે નળ સરોવર પાસેનાં લગભગ 15 ગામના 300થી વધુ બોટમેન અને ત્યાંના નાના વ્યવસાયો પર ગંભીર અસર પડી છે. લાંબા સમય સુધી બોટિંગ બંધ રહેવાને કારણે આશરે 1500 લોકોની રોજીરોટી બંધ છે, કારણ કે નિયમો બનાવ્યા પછી મુશ્કેલી એ ઊભી થઈ કે સરકારના નીતિ-નિયમવાળી નવી બોટની કિંમત અંદાજે 80,000થી 90,000 રૂપિયા છે.
સરકાર દ્વારા નાવિક માલિકોને આ નવી બોટ ખરીદવા માટે લોન સહાયની ખાતરી આપવામાં આવી છે. આમ છતાં સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને તેઓ પોતાની જૂની બોટો મારફત જ નૌકા વિહાર ચાલુ રાખવા માગ કરી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગ સુરક્ષાનાં કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા તૈયાર નથી.
નળસરોવર બોટ એસોસિએશનના હાજીભાઈ સમાએ જણાવ્યું, 300 બોટમાંથી આશરે 200 બોટને રૂ.15,000 જેવો ખર્ચ કરીને ફાઇબર અને રંગરોગાન સાથે નવી બોટ જેવી બનાવી છે અને એનું રજિસ્ટ્રેશન થઈ શકે એમ છે. તેમને સરકારની ગાઇડલાઇન મુજબ તમામ ડોક્યુમેન્ટ, જેવા કે IRS સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, સેફ્ટી જેકેટ અને ટૂરિસ્ટ બેસાડવાની ક્ષમતાના દસ્તાવેજો એકઠા કરી કલેક્ટર કચેરીમાં રજૂ કરી લાઇસન્સ મેળવવાની સૂચના મળી છે.
નળ સરોવરની આસપાસના વેકરિયા, મેની, ધરજી, રાણાગઢ સહિતનાં 14 જેટલાં ગામોના 500થી વધુ પરિવારોનું નળ સરોવરના પ્રવાસી દ્વારા ગુજરાન ચાલે છે. આ ગામના લોકો નાવ ચલાવીને, નાસ્તાના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી થકી કમાણી કરે છે. બોટિંગ અને ઘોડેસવારી પણ બંધ થવાથી પ્રવાસીઓ ઘટ્યા છે અને આ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેમની આવકનો મુખ્ય આધાર શિયાળાની 3-4 મહિનાની પ્રવાસન સિઝન પર રહેલો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ