
સુરેન્દ્રનગર,8 ડિસેમ્બર (હિ.સ.) સેનાના જવાનોના અપ્રિતમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવાના હેતુસર, દર વર્ષે વર્ષ 7 ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના વરદહસ્તે ફાળો એકત્રિત કરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિનનું મહત્વ સમજાવતા જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, આપણા સૈનિકો પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને રાષ્ટ્રના સર્વભૌમત્વનું રક્ષણ કરે છે. યુદ્ધની સ્થિતિ હોય કે શાંતિના સમયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ હોય, નાગરિકોની સુરક્ષા અને સહાયતા માટે આપણા જવાનો હંમેશા ખડે પગે સેવા બજાવે છે.
આ ફરજ દરમિયાન અનેક જવાનો શારીરિક ક્ષતિનો ભોગ બને છે અથવા વીરગતિ પામે છે. આવા ઇજાગ્રસ્ત, નિવૃત કે શહીદ જવાનોના પરિવારોની પડખે ઊભા રહી તેમના પુનર્વસનમાં મદદરૂપ થવું એ આપણા સૌની સામાજિક જવાબદારી છે.
વધુમાં જિલ્લા કલેકટરએ જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, આ વીર જવાનો અને તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે એકત્રિત કરવામાં આવતા આ ભંડોળમાં આત્મીયતા અને ઉદારતા સાથે યથાશક્તિ યોગદાન આપીએ અને આપણા જાંબાઝ જવાનો પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરીએ.
નાગરિકોએ દાન/ફાળો જમા કરાવવા માટે નીચે મુજબના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી અથવા બેંકમાં જઈને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં રકમ જમા કરાવી શકાશે.આવો, આપણે સૌ મળીને આ પવિત્ર કાર્યમાં ઉદાર હાથે યોગદાન આપી, આપણા વીર સપૂતોના બલિદાનને સાચા અર્થમાં વંદન કરીએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ