સોપારીની સારી ગુણવત્તા અને વધતી માંગે ઉંચક્યા ભાવ: દસ વર્ષમાં 70 રૂપિયાથી સીધા 800 રૂપિયા સુધીનો ઝંપલો
અમરેલી,8 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર તથા ગ્રામિણ વિસ્તારોમાં સોપારીના વેપારમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર પરિવર્તન જોયું છે. ખાસ કરીને ભાવમાં થયેલો આકસ્મિક વધારો ગ્રામિણ ગ્રાહકો અને વેપારીઓ બન્ને માટે મહત્વનો મુદ્દો બની ગય
સોપારીની સારી ગુણવત્તા અને વધતી માંગે ઉંચક્યા ભાવ: દસ વર્ષમાં 70 રૂપિયાથી સીધા 800 રૂપિયા સુધીનો ઝંપલો


અમરેલી,8 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર તથા ગ્રામિણ વિસ્તારોમાં સોપારીના વેપારમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર પરિવર્તન જોયું છે. ખાસ કરીને ભાવમાં થયેલો આકસ્મિક વધારો ગ્રામિણ ગ્રાહકો અને વેપારીઓ બન્ને માટે મહત્વનો મુદ્દો બની ગયો છે. સાવરકુંડલામાં સોપારીનો વ્યવસાય કરતા ધર્મેશ તેરૈયા છેલ્લા આઠ વર્ષથી સીધા ગ્રાહકો સુધી સોપારી પહોંચાડવાનો ધંધો કરી રહ્યા છે. 36 વર્ષીય ધર્મેશભાઈ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વેપાર ક્ષેત્રમાં આવ્યા હતા અને આજે શહેર તથા ગામડાઓમાં સારી ગુણવત્તાની સોપારીના વિશ્વસનીય સપ્લાયર તરીકે ઓળખાય છે.

ધર્મેશભાઈ મુજબ સોપારીના ભાવમાં સતત વૃદ્ધિનું મુખ્ય કારણ લોકોમાં વધતી માંગ છે. “છેલ્લા દસ વર્ષમાં સોપારીના ભાવમાં અદ્દભૂત ઉછાળો આવ્યો છે. જે સોપારી 70 રૂપિયામાં મળતી હતી, તે આજે 800 રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. માત્ર એક વર્ષમાં ભાવ 400 થી સીધા 800 રૂપિયા સુધી પહોંચ્યો છે. લોકો હવે સસ્તી કરતાં સારી ક્વોલિટીની સોપારી વધુ ખરીદે છે,” તેમ તેઓ જણાવે છે.

સારી ક્વોલિટીની સોપારી ખાવાની ટેવ હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ વધી રહી છે, જેના કારણે માંગમાં સતત વધારો થાય છે. ધર્મેશભાઈ જણાવે છે કે તેમની પાસે 400 રૂપિયાથી 1200 રૂપિયા સુધીની વિવિધ ગુણવત્તાની સોપારી ઉપલબ્ધ રહે છે. તેમના વેપારમાં રોજના અંદાજે 150 કિલોગ્રામ જેટલું વેચાણ થાય છે. શહેર ઉપરાંત તેઓ વ્યક્તિગત રીતે ગામડાઓ સુધી જઈને વેચાણ કરે છે, જ્યાં ખાસ કરીને મોંઘી અને સારી ગુણવત્તાની સોપારીને પ્રાધાન્ય આપવામાં આવે છે.

ભાવમાં આ વધારાનું બીજુ કારણ પુરવઠા કરતા વધુ માંગ હોવાનું પણ ધર્મેશભાઈ સ્પષ્ટ કરે છે. “લોકો સારી વસ્તુ જ પસંદ કરે છે, અને તેની માંગ વધે છે તો ભાવ વધવો સ્વાભાવિક છે. બજારમાં પ્રીમિયમ સોપારીની માંગ છેલ્લા ચાર–પાંચ વર્ષમાં ખૂબ વધી છે,” તેમ તેઓ ઉમેરે છે.

સોપારીના વધતા ભાવોનો પ્રભાવ હવે અન્ય વસ્તુઓ પર પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મસાલા બજારમાં તેનો સીધો પ્રભાવ પડશે. સોપારી મિક્ષીંગમાં ઉપયોગ થતાં મસાલા, ચીકટી, સુપારી મસાલો વગેરેના ભાવોમાં પણ આવનારા સમયમાં વધારો થવાની શક્યતા છે. હાલ અમરેલીમાં 30 રૂપિયા સુધીના મસાલા ઉપલબ્ધ છે, પરંતુ કાચા માલની કિંમતો વધવાથી ભાવો વધુ ચઢે તે નક્કી છે.

ગ્રાહકો માટે રોજિંદા જીવનની આ આવશ્યક વસ્તુઓ મોંઘી થવાથી ખર્ચમાં વધારો થવો અનિવાર્ય છે. વેપારીઓ કહે છે કે જો માંગ આ જ રીતે વધતી રહે અને પુરવઠો ઓછો હોય તો ભાવો વધુ ઉંચે જઈ શકે છે.

અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં સોપારી બજારનું આ બદલાતું પરિપ્રેક્ષ્ય ખેડૂતો, સપ્લાયરો, વેપારીઓ અને ગ્રાહકો માટે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. મોંઘવારીના આ જમાનામાં સોપારી પણ હવે સામાન્યથી પ્રીમિયમ પ્રોડક્ટ તરફ આગળ વધી રહી છે, અને તેનો પ્રભાવ સમગ્ર મસાલા બજારમાં પણ જોવા મળશે, એવું ધર્મેશભાઈનો સીધો મત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande