
ગીર સોમનાથ, 8 ડિસેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ અતિરુદ્ર મહાયજ્ઞ શિવ આરાધનાનું સૌથી મોટું અનુષ્ઠાન કહેવામાં આવે છે, આ યગ્ન પાંચ દિવસ સુધી ચાલશે અને યજ્ઞમાં ૧૦૮ બ્રાહ્મણો દ્વારા તલ આદિ પવિત્ર દ્રવ્યો દ્વારા ૯ યગ્નકુંડોમાં લાખો આહુતિઓ અર્પણ કરવામાં આવશે. આહુતિઓ માટે તિલ આદિ અષ્ટ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવશે. ૧૦૮ બ્રાહ્મણો સાથે યજમાન પરિવારો પાંચ દિવસના સમયગાળામાં કુલ ૨૪ લાખ જેટલી આહુતિઓ ૯ યજ્ઞ કુંડમાં અર્પણ કરશે.
અતિરુદ્ર યજ્ઞનું મહત્વ: અતિરુદ્ર યજ્ઞ આયોજન શિવકૃપા પ્રસાદ પ્રાપ્તિ અર્થે ભક્તો કરતા હોય છે. આ યજ્ઞ પૂર્વજન્મના સંચિત કર્મોના ફળની પ્રાપ્તિ કરાવે છે. યજ્ઞ કરવાથી જન્મ-જન્માંતરના પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પુણ્ય માત્ર યજમાન પૂરતું સીમિત નથી, પરંતુ જીવમાત્રના કલ્યાણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. યજ્ઞ દ્વારા આત્માની શુદ્ધિ થાય છે. ઉપરાંત, આકાશમંડલમાં યજ્ઞમાંથી નીકળતો આહુતિનો ધૂપ પણ શુદ્ધતા પ્રદાન કરે છે, જેનાથી આભામંડળની પણ શુદ્ધિ થાય છે. આ યજ્ઞ થવાથી યજમાન અને સર્વ જીવનું કલ્યાણ થાય છે, અને મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, અને ભગવાન સોમનાથ ભક્ત પર પ્રસન્ન થાય છે.
સોમનાથ તીર્થમાં યજ્ઞનું વિશેષ મહત્વ: સોમનાથ તીર્થ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને આ એક પુણ્યભૂમિ છે. ચંદ્રમાએ પણ પોતાના દોષોના નિવારણ માટે પ્રભાસ તીર્થમાં આવીને તપ કર્યું હતું અને ભગવાન સોમનાથને પ્રસન્ન કર્યા હતા. આવી પવિત્ર ભૂમિ પર જે કોઈ શિવભક્ત યજ્ઞ, જપ, અભિષેક અથવા અન્ય ધર્મ કાર્યો કરે છે, તેમની મનોકામનાઓ તત્કાલ પૂર્ણ થાય છે અને સોમનાથ મહાદેવ તેમના પર પ્રસન્ન થાય છે.
અતિરુદ્ર યજ્ઞના દર્શનનું મહત્વ: અતિરુદ્ર યજ્ઞ કરવો એ એક મહાન પુણ્ય આપનારું કાર્ય છે, પરંતુ જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે તેના માત્ર દર્શન કરવાથી પણ મોટું પુણ્ય અર્જિત થાય છે. શાસ્ત્રોમાં યજ્ઞને સાક્ષાત્ નારાયણનું સ્વરૂપ માનવામાં આવેલ છે. આ નારાયણ સ્વરૂપના દર્શન કરવાથી ભક્તજન પાવન થાય છે અને પોતાના આત્માને શુદ્ધિ પ્રદાન કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના દર્શને આવનાર પ્રત્યેક ભક્તોને આ અતિ પાવન પુણ્યદાયી યજ્ઞના દર્શનનો લાભ લેવા આમંત્રિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ