
અમરેલી, 8 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી એરપોર્ટ પર આજે સવારમાં ફરી એક વખત ટ્રેનિંગ પ્લેન રનવે પરથી નીચે ઉતરવાની ઘટના બની છે. તાજેતરમાં બનેલી આ ઘટના એરપોર્ટ પરિસરમાં સુરક્ષા પ્રશ્નો ફરી ઉઠાવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેનિંગ ફ્લાઇટ રનવે પર લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવતા સાઇડમાં ઉતરી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લેનને નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે.
આ ઘટના સાથે અમરેલી એરપોર્ટમાં આવી ઘટના બીજી વાર બની છે. થોડા મહિનાઓ પહેલાં પણ એક ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતરી ગયેલું, જ્યારે તેના પહેલા રહેણાંક વિસ્તારમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાની ગભરાવનારી ઘટનામાં પાયલોટનું મોત નિપજ્યું હતું.
સવારે બનેલી આ તાજી ઘટનાને એરપોર્ટ ઓથોરિટીએ પ્રાથમિક રીતે જાહેર કરવાની ના પાડી અને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતાં મામલો બહાર આવ્યો છે. ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે અને ટ્રેનિંગ ફ્લાઇટની સલામતી અંગે ફરી પ્રશ્નચિન્હો ઉભા થયા છે. સ્થાનિક લોકો અને ઉડ્ડયન ક્ષેત્રના અનુભવી લોકો એરપોર્ટના મેન્ટેનન્સ અને ટ્રેનિંગ સિસ્ટમની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઓથોરીટી પાસે પ્લેન સુરક્ષાના વધારાના ધોરણો લાગુ કરવાની માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai