
અમરેલી,8 ડિસેમ્બર (હિ.સ.) : શિયાળાની શરૂઆત સાથે અમરેલી જિલ્લાના શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં પરંપરાગત શિયાળુ ખાદ્ય વસ્તુઓનું વેચાણ તેજ બન્યું છે. ખાસ કરીને તલની સાની, સિંગપાક, ખજૂરપાક, અડદિયો અને સિંગની બરફી જેવી પૌષ્ટિક અને શરીરને ગરમી આપતી વસ્તુઓ માટે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિયાળામાં સૌથી વધુ લોકપ્રિય ગણાતી સાની (તલની ચીકકી)નો વેચાણ દરરોજ વધી રહ્યો છે. હાલ અમરેલી જિલ્લામાં સાનીના ભાવ300 રૂપિયા પ્રતિ કિલોબોલાઈ રહ્યા છે.
સાવરકુંડલા શહેરમાં છેલ્લા દસ વર્ષથી સાનીનો સિઝનેબલ વ્યવસાય કરતારાજુભાઈ સોલકીજણાવે છે કે હાલની સિઝનમાં સફેદ તલની સાની, કાળા તલની સાની અને ડ્રાયફ્રુટ સાની માટે ખાસ માંગ જોવા મળે છે. રાજુભાઈ કહે છે, “ગત વર્ષે કાળા તલની સાનીનો ભાવ 200 રૂપિયા કિલો હતો, પરંતુ આ વર્ષે તલના ભાવમાં વધારો થતા કાળા તલની સાની 300 રૂપિયા કિલો વેચાઈ રહી છે.”
તલના કાચા માલમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં વેપારીઓ જણાવે છે કે ગ્રાહકોને વધારે ભાર ન પડે તે માટે તેઓએ નફાનો માપ ઘટાડ્યો છે. ઘણા ઉદ્યોગકારોએ ગયા વર્ષના ભાવે જ સિંગપાક, સાની, અડદિયો અને ખજૂરપાકનું વેચાણ ચાલુ રાખ્યું છે.
સાવરકુંડલાના બજારમાં હાલસિંગપાક, તલસાની, ખજૂરપાક, દાળીયાના લાડુ અને સિંગ બરફીજેવી વાનગીઓ છવાઈ ગઈ છે. શિયાળામાંને ગરમી અને શક્તિ આપતી આ વસ્તુઓ માટે ખાસ કરીને યુવાવર્ગ, વડીલ અને કામદાર વર્ગમાં ભારે માંગ જોવા મળે છે. સવારથી સાંજ સુધી બજારમાં ગ્રાહકોની અવરજવર સતત વધી રહી છે.
દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે લોકો પોતાના રોજિંદા આહારમાં પરિવર્તન કરતા હોય છે. શરીરને ગરમ રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા તલ, ગોળ, સિંગદાણા અને સૂકા મેવાનો ઉપયોગ વધે છે. ખાસ કરીને તલસાની, અડદિયો અને સિંગ બરફી જેવી વાનગીઓને શક્તિ, ગરમી અને પોષણ પૂરું પાડવામાં ઉત્તમ માનવામાં આવે છે. શિયાળામાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે સાની અને સિંગપાક શક્તિ તરીકે કામ કરે છે, જ્યારે વડીલો માટે શરીરની શક્તિ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
અમરેલી જિલ્લામાં આવતા દિવસોમાં ઠંડી વધુ વધવાની છે, જેના કારણે શિયાળુ પાકનું વેચાણ વધુ ઝડપથી વધવાની વેપારીઓ અપેક્ષા રાખે છે. પરંપરાગત શિયાળુ ખોરાકની વધતી માંગ સાબિત કરે છે કે આજના સમયમાં પણ લોકો આરોગ્યપ્રદ, શુદ્ધ અને ઘરેલું ખાદ્ય પદાર્થોને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai