
- લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો
- 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ શહેરના સોલા ભાગવત પાસે વિવાનતા હોટલ પાસે ગેસ સિલિન્ડર લિકેજની ઘટના બની છે. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ સામે આવ્યું કે ક્લોરીન ગેસ અહીંયા લિકેજ થયો હતો. આ ગેસ લીકેજને લઈને આસપાસના લોકોમાં આંખમાં બળતરા થયા હતા. સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેને લઈને ફાયર બ્રિગેડના જવાનોને પણ ગંભીર અસર પહોંચી હતી. આ ગેસની દુર્ઘટનામાં યુવરાજ સિંહ અને વિજય ચૌહાણ નામના બે જવાનોને ગંભીર અસર પહોંચી હતી. જેથી તેમને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસની બોટલમાંથી લીકેજ થવાના કારણે આસપાસમાં ગેસ ફેલાઈ ગયો હતો. લોકોને શ્વાસ લેવામાં અને આંખ તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કુલ 6 જેટલા ફાયરકર્મીને અસર થઈ હતી. બે ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ક્લોરિન ગેસ લિકેજ 14 કલાકે બંધ થયો હતો અને લોકોને રાહત મળી હતી.
ફાયર બ્રિગેડની માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ સાંજે 5:40 વાગ્યે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક ખુલ્લા પ્લોટમાં એક ગેસના બોટલમાંથી લીકેજ થાય છે અને લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થઈ રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અલગ અલગ સાધનો સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી.
માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણી વ્યક્તિએ ક્લોરિન ગેસની બોટલ નાખી દીધી હતી જેમાંથી ગેસ સતત લીકેજ થઈ રહ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ આ ગેસના લીકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બંધ થઈ શકે તેવી સ્થિતિ નહોતી. જેથી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો.
ક્લોરિન ગેસ સતત બહાર આવી હવામાં ફેલાઈ રહ્યો હતો જેથી ફાયરના જવાનો તેના પર પાણી છાંટી રહ્યા હતા. ત્યારે બે ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈ હતી. જેથી તેઓને ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની બેથી વધુ ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી હતી. જોકે ક્લોરિન ગેસ એટલો વિશાળ માત્રામાં બહાર આવી રહ્યો હતો કે ફાયરના જવાનોને પણ તકલીફ પડી રહી હતી, છતાં પણ ફાયરના જવાનોએ કામગીરી ચાલુ રાખી હતી. હવામાં ગેસ ઓછો ફેલાય અને લોકોને ઓછી તકલીફ પડે તેના માટે આ કામગીરી કરાઈ હતી.
ફાયર વિભાગની ટીમે વહેલી સવારે 7:40 વાગ્યા સુધી ક્લોરિન ગેસની બોટલ જ્યાં સુધી ખાલી ન થઈ ત્યાં સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીનો મારો ચલાવી ગેસને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ગેસ આજુબાજુમાં ફેલાઈ ગયો હતો જેના કારણે કેટલાક લોકોને પણ અસર થઈ હતી. આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનમાં બીજા ચાર જેટલા ફાયર જવાનોને પણ ગેસની અસર થઈ હતી, જેમાં આંખોમાં અને ગળામાં બળતરા થઈ હતી જેથી તેમને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ