સુરત, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-વેસુ વિસ્તારમાં સિટીલાઈટમાં આવેલી નૂપુર હોસ્પિટલની બાજુમાં સંગમ સોસાયટીના બંગલા નંબર 16માં આગ લાગી ગઈ હતી. જી પ્લસ 2માં બીજા માળે આવેલા બેડરૂમમાં રાખવામાં આવેલા એસીમાં શોર્ટ સર્કિટથી આગનો બનાવ બન્યો હતો. સમગ્ર આગ અંગે જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની મજૂરા અને વેસુની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર ઓફિસર અક્ષય પટેલે કહ્યું કે, બપોરના સમયે આગ લાગી હતી. ઘરમાં જ સભ્યો હતાં. કોલ મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બેડરૂમમાં રાખેલા બેડ સહિતની છત પરનું સિલિંગ પણ આગની જ્વાળાઓમાં આવી ગયું હતું. સાથે જ ટીવી સહિતના ફર્નિચરને પણ આગે લપેટમાં લઈ લેતા બળીને ખાક થઈ ગયું હતું. જો કે, કોઈ વ્યક્તિને ઈજા જાનહાનિ સર્જાઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે