પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)
પોરબંદર જિલ્લામાં ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.27/02/2025 થી તા.17/03/2025 દરમિયાન યોજાશે. આ પરીક્ષાઓ શાંતિ અને એખલાસભર્યા વાતાવરણમાં યોજાય તથા બીનઅધિકૃત વ્યક્તિઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહી તે હેતુથી પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા વિવિધ પ્રતિબંધાત્મક હુકમો બહાર પડવામા આવ્યાં છે.
પોરબંદર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાની તારીખો અને સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100-મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેમજ સરઘસો કાઢવા, સુત્રો પોકારવા, લાઉડ સ્પીકર કે અન્ય રીતે ધોંધાટ થાય તેવી કોઈ કાર્યવાહી કરવા પર પ્રતિબંધ કરાયો છે. આ હુકમમાં જેને મુકિત આપવામાં આવી હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને લાગુ પડશે નહી. તેમજ પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન લાગુ પડશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135અન્વયે સજા થઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya