પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લામાં બી.પી., ડાયાબીટીસ, કેન્સરની તપાસ માટે મેગા ડ્રાઇવ કેમ્પેઇનનો પ્રારંભ કરાયો છે. ગત તારીખ 20 ફેબ્રુઆરી થી શરૂ થયેલી આ ઝુંબેશ 31 માર્ચ એટલે કે 50 દિવસ સુધી ચાલશે. 30 વર્ષથી વધુ વયના નાગરિકોને આરોગ્ય તપાસ કરાવવા જિલ્લા ક્ષય અધિકારી સીમા પોપટિયા દ્વારા અપીલ કરાઈ છે. જેમાં જિલ્લામાં સબ સેન્ટરથી લઈને જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી દરેક આરોગ્ય સંસ્થામાં ચકાસણી, નિદાન અને સારવારનો દર્દીઓ લાભ મેળવી શકશે. ભારતમાં દર વર્ષે બિન ચેપી રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડાયાબિટીસ, બી.પી. જેવા રોગોના નિદાન હેતુ પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મેગા ડ્રાઇવ કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પ તા.31 માર્ચ 2025 સુધી ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ, 3પ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે પોરબંદર જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થા ખાતે મફત આરોગ્ય ચકાસણી ઉપલબ્ધ રહેશે, જેમાં ડાયાબીટીસ (મધુમેહ), બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તદાબ) અને કેન્સરની પ્રાથમિક તપાસ સામેલ રહેશે. આ આરોગ્ય તપાસનો ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તથા ગંભીર બિન-ચેપી રોગોનું વહેલું નિદાન કરી જરૂરી સારવાર શરૂ કરવાનો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી બી મહેતા ના માર્ગદર્શન હેઠળ સઘન ઝુંબેશ દરમ્યાન રોગના ઝડપી નિદાન, ત્વરિત સારવાર, લોક જાગૃતિ, શિબિરો વગેરે કામગીરી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એનપીએનસીડી પોર્ટલ મુજબ પોરબંદર જિલ્લામાં 3, 69, 243 લોકો સુધી પહોંચી તેમની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકો પણ સ્વ-આરોગ્ય પ્રત્યે જાગૃત બની નિદાન કરાવવા કેન્દ્રની મુલાકાત લે તેમજ ઝુંબેશની વધુ વિગતો અને નિદાન માટે નજીકની આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરે તેવી જિલ્લા ક્ષય અધિકારી સીમા પોપટિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya