ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં વિષમ પરિસ્થિતિના પગલે શાળા-કોલેજનો અભ્યાસ અધૂરો છૂટી ગયો હોય અથવા આગળના અભ્યાસની તકથી વંચિત રહી ગયા હોય તેવા આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓને કૌશલ્ય વર્ધનની સઘન તાલીમ આપી સ્વમાનભેર રોજગાર ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી એકતાનગર ખાતે નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામમાં જીએમઆર વરલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2021માં એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સતત વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ આ કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને આદિવાસી યુવાનો પણ તાલીમ લઈ કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવતા થાય એ માટે અહીં બનાવવામાં આવેલા આ એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષમાં 2048થી વધુ યુવક-યુવતીઓએ તાલીમ મેળવી છે તે પૈકીના 70 ટકા તાલીમાર્થીઓ આજે ઘર આંગણે નોકરી કરતા થયા છે.
ગ્રાંધી મલ્લીકાર્જુન રાઓ વારલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનું સંચાલન અહીં કરવામાં આવે છે. અહીં એકથી ત્રણ માસના ટૂંકા સમયગાળાના ૧૦ કોર્સની સઘન તાલીમ ટ્રાઈનરો દ્વારા આપવામાં આવે છે. જેમાં નર્મદા જિલ્લાના 160 ગામોના યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જે પૈકી 90 ટકા તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે. અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં ૫૫ ટકા યુવતીઓ અને 45 ટકા યુવાનોનો સમાવેશ થાય છે. એટલે કે, અહીંથી તાલીમ લઇ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે.
એકતા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં 2149 જેટલા ઉમેદવારોને વિવિધ કોર્સની તાલીમ લીધી અને તે પૈકી 2048 તાલીમાર્થીઓને નોકરી મળી છે. આનું પ્રમાણ જોઇએ તો 70 ટકા તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળી છે. બાકીના તાલીમાર્થીઓ સ્વતંત્ર વ્યવસાયમાં જોડાયા છે. 80 જેટલી નેશનલ, મલ્ટિનેશનલ કંપનીઓમાં આ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ થકી નોકરી મળી છે. ખાસ કરીને આ તાલીમ કેન્દ્રમાંથી ઈ-રિક્ષાની તાલીમ મેળવનાર સ્થાનિક આદિવાસી યુવતીઓ પિંક રિક્ષાના સંચાલન થકી પ્રવાસીઓને એકતાનગરની મજેદાર પ્રાકૃતિક સૌંદર્યની સફર કરાવી રોજગારી મેળવી પગભર બની આત્મિનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહી છે.
અહીં ઇ-ઓટો ડ્રાઇવર, લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવર, હાઉસ કીપિંગ એન્ડ રૂમ એટેન્ડન્ટ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રીશિયન, ફ્રન્ટ ઓફિસ એસોસિએટ્સ, કોમ્પ્યુટર–ડાટા એન્ટ્રી ઓપરેટર, આસિસ્ટન્ટ બ્યુટી થેરપિસ્ટ, ફૂડ એન્ડ બેવરેજિસ સ્ટૂઅર્ડ, કડીયાકામ ટેક્નિશિયન અને ટુરિસ્ટ ગાઇડ સહિત સ્થાનિક બજારની જરૂરિયાત પ્રમાણે આવડત વિકસાવવા તાલીમ આપવામાં આવે છે. સાથે કેમ્પસમાં કોન્ફરન્સ હોલ, કોમ્પ્યુટર લેબ, પ્રતિભા લાઈબ્રેરી, કાઉસેલિંગ રૂમ, રસોડું, સર્જનાત્મક પ્રવૃત્તિ ખંડ વિકસાવવામાં આવ્યા છે. તાલીમાર્થીઓ દ્વારા બનાવેલી વસ્તુઓ અને ક્રિએટીવને ડિસ્પ્લે કરવામાં આવી છે.
એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં અપાતી તાલીમ પૈકી સૌથી વધુ માંગ હાઉસકિપિંગની રહી છે. તેમાં પ્લેસમેન્ટનું પ્રમાણ સૌથી સારું રહ્યું છે. એ બાદ લાઈટ મોટર વિહીકલ અને ઇ-ઓટોમાં સ્થાનિક કક્ષાએ પ્લેસમેન્ટ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. બ્યુટી થેરપિસ્ટનો કોર્સ કર્યા બાદ ઘણી આદિવાસી યુવતીઓ પોતાના ઘરે બ્યુટી પાર્લરનો સ્વતંત્ર વ્યવસાય કરી પગભર બની પોતાના કુટુંબને આર્થિક મદદ કરવા સાથે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડી અન્યને પ્રેરણારૂપ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ