બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન દૂર કરવા માર્ગદર્શન અપાયું
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ 2025 ની બોર્ડ પરીક્ષા આવી રહી છે ત્યારે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગા
બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન દૂર કરવા માર્ગદર્શન અપાયું


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ 2025 ની બોર્ડ પરીક્ષા આવી રહી છે ત્યારે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષા

સંદર્ભે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા કરવામાં આવી છે. જે બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મક મનોવલણ કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે તેવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી તેમનામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કરી સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી શકે તે માટે તેઓને તૈયાર કરવાના હેતુથી મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઉજ્જડ થેપડા ગામે આવેલ એચ.એચ.ભાયાણી બાલા હનુમાન હાઈસ્કૂલ ખાતે બોર્ડના વિધાર્થીઓ માટે જીવન અને પરીક્ષા વિષય પર સેમીનારનું આયોજન કરાયું હતું.

જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા નિયુક્ મનોવૈજ્ઞાનિક ડૉ. જીજ્ઞેશભાઈ વિ. પ્રશ્નાણી એ પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી હતી. આ સેમિનારના પ્રારંભે પ્રાસંગિક પ્રવચન આપતા શાળાના આચાર્ય સામતભાઈ બાપોદરાએ તાલીમનું મહત્વ સ્પષ્ટ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અને પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટી પૂજ્ય મંગલદાસ બાપુએ વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે શુભેચ્છાઓ આપી હતી, અને સાથે સાથે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી અને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે મનોવૈજ્ઞાનિક ડૉ. જીજ્ઞેશભાઈ વિ. પ્રશ્નાણીએ પોતાના વ્યાખ્યાનમાં પરીક્ષાની પૂર્વતૈયારી, પરીક્ષાના દિવસે અને પછી પણ શું ધ્યાનમાં રાખવું તે વિગતવાર સમજાવ્યું હતું. ઉપરાંત પરીક્ષાના સમયે અનુભવતા કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની પ્રેક્ટીકલ રીત દર્શાવી હતી અને વિદ્યાર્થીઓ જે ભય અનુભવતા હતા, તે મનોવૈજ્ઞાનિક એક્સરસાઇઝ દ્વારા ઝીરો લેવલ પર પહોંચી ગયા હતા. તેમના આત્મવિશ્વાસમાં અનેક ઘણો વધારો થયો હતો.ઉપરાંત અર્ધ જાગૃત મનની શક્તિઓ જાગૃત કરી, તેના દ્વારા સફળતા મેળવવાની સમજણ પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કઈ રીતે ભય દૂર કરી શકાય, એકાગ્રતા કઈ રીતે વધારી શકાય, આત્મ વિશ્વાસથી કઇ રીતે પરીક્ષા આપી શકાય અને સાથે કંઈ રીતે હળવાશથી પરીક્ષા આપવી, પરીક્ષા ખંડમાં કઈ રીતે ચિંતા મુક્ત રીતે પરીક્ષા આપવી વગેરે પ્રશ્નોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના મદદનીશ શિક્ષક થાનકીએ આભારવિધિ કરી હતી.પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન માટે ડૉ. જીજ્ઞેશભાઈ વિ. પ્રશ્નાણી મો. 9824364362 અને ડૉ. પ્રીતિબેન ટી. કોટેચા

મો. 9033481803 ઉપર વિધાર્થીઓ સંપર્ક કરી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા બોર્ડની પરીક્ષા ભયમુક્ત બની આત્મવિશ્વાસપૂર્વક આપી તે હેતુથી આ ટીમની રચના કરવામાં આવી છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી, મનોવૈજ્ઞાનિક તજજ્ઞ ટીમ, શાળાના આચાર્ય, સ્ટાફ, શાળાના ટ્રસ્ટીગણ તેમજ પરીક્ષા સમિતિના સર્વ સભ્યોએ જેહમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande