જૂનાગઢ 24 ફેબ્રુઆરી (હિ.સ.)
જૂનાગઢ તા. ૨૩ ફેબ્રુઆરી,૨૦૨૫ : ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીનો ભવ્ય અને દિવ્ય મેળો શરૂ થઈ ચૂક્યો છે. સાધુ સંત મહંતો અને દિગંબર સંન્યાસીઓએ અલખની ધૂણી ધખાવી છે. દૂર દૂરથી ભાવિક ભક્તજનોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ગેબી ગીરનાર અને ભવેશ્વર મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે. ગીરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે, ગીરનાર તીર્થક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ મંચ, ભવનાથ તળેટી ખાતે મેળા દરમિયાન દરરોજ સાંજે ૭ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે લોક સાહિત્કાર જીતુભાઈ દાદ સહિતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન સંતવાણીની પ્રસ્તુતી કરીને ડાયરાનો રંગ જમાવશે.
લોકસાહિત્યકાર જીતુભાઈ દાદે ભાવિક ભકતો, જનતાને ગીરનાર તળેટીમાં સ્વચ્છતા જાળવવા અને કાળજી રાખવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓ દ્વારા મેળા પરિસરમાં તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય મેળાના સ્થળો પર, જાહેર રોડ રસ્તા પર પ્લાસ્ટિક કચરો ન ફેંકવા માટે પણ લોકસાહિત્યકાર જીતુભાઈદાદે જાહેર જનતાને અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ