વડોદરા, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-રાજ્યના ચાર મહાનગરોમાં પોલીસ દ્વારા ક્રાઇમ ડેટાને આધારે તૈયાર કરાયેલા SHASHTRA(Sharir Sambandhi Tras Rokva Abhiyan)નો આજે વડોદરા શહેરમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતેથી આરંભ થયો છે.
રાજ્યના પોલીસ વડાએ ઇ ગુજકોપના ડેટાનું એનાલિસિસ કરતાં શરીર સબંધી ગુનાના 25 ટકા ગુના ચાર મહાનગરોમાં બન્યા હોવાનું જણાઇ આવ્યું હતું.આ ગુનાઓ પૈકી 45 ટકા ગુના રાતે 6 થી 12 દરમિયાન બન્યા હોવાનું અને ચારેય મહાનગરમાં 50 ટકાથી વધુ ગુના આચરવામાં આવ્યા હોય તેવા 33 પોલીસ સ્ટેશન તારવવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં કુલ 27 માંથી 7 પોલીસ સ્ટેશન તારવવામાં આવ્યા છે.જેમાં પાણીગેટ,મકરપુરા,માંજલપુર,કપૂરાઇ, ફતેગંજ,હરણી અને ગોરવાનો સમાવેશ થાય છે.શહેર પોલીસ કમિશનરે આજે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ અને શસ્ત્ર પ્રોજેક્ટની વિશેષ ટીમો સાથે મીટિંગ કરી જરૃરી માર્ગદર્શન આપ્યું હતું અને તે રીતે વડોદરામાં પ્રોજેક્ટની શરૃઆત કરી હતી.
શસ્ત્ર પ્રોજેક્ટ માટે વડોદરા શહેરના સાત પોલીસ સ્ટેશનને તારવવામાં આવ્યા હતા.પરંતુ શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે 6 થી 12 સુધી શસ્ત્ર પ્રોજેક્ટની જેમ જ કામગીરી કરવા સૂચના આપી છે.જે અંતર્ગત તમામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમો,શી ટીમ, પેટ્રોલિંગ વાન,મોટર સાઇકલ અને સ્કૂટર પર પોલીસની ટીમો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે